ગાંધીધામમાં પ્લોટમાં દારૂની મહેફિલ માણતા છ નબીરાઓ ઝડપાયા

એમ્યાપર હોટલની બાજુમાં રાત્રિ દરમિયાન જામેલી શરાબની મહેફિલમાં પોલીસનો દરોડો : ચાર વાહનો સહિત ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ કબજે

ગાંધીધામ : ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ એકતરફ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે તેની સાથે આ શહેરમાં દારૂ, જુગાર, ગાંજા સહિતની ગેરપ્રવૃતિઓની બદી પણ વધી ગઈ છે. અવાર-નવાર ગાંધીધામ સંકુલમાંથી લાખોનો શરાબ ઝડપાય છે ત્યારે હવે પોલીસે ગાંધીધામમાં દારૂની મહેફિલ માણતા ૬ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. રાત્રિના સમયે પ્લોટમાં જામેલી દારૂની મહેફિલમાં પોલીસે દરોડો પાડી વાહનો કબજે કર્યા હતા. આ અંગેની વિગતો મુજબ પીઆઈ એમ.એમ.જાડેજા દ્વારા શહેરમાં અવાર-નવાર દારૂની મહેફિલ માણતા ઈસમોને પકડી પાડવા સૂચના આપી હતી. જેથી પીએસઆઈ એન.વી.રહેવરના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પોલીસના હેડકોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પરમાર અને કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાંધીધામમાં એમ્પાયર હોટલની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપીઓ દારૂની મહેફિલ માણતા હતા.જેમાં વરસામેડીમાં રહેતા હિમાંશુભાઈ સુરેન્દ્રભાઈ શર્મા, અપનાનગરમાં રહેતા અંશુલ ગોવિંદરાજ સુથાર, વિશાલ રમેશભાઈ શર્મા, આદિપુરના કલ્યાણ રેસિડેન્સીમાં રહેતા ભરતભાઈ ચંદનપ્રકાશ કુંભાણી અને નિરવ એપાર્ટમેન્ટમાં રહેતા મીતભાઈ અતુલભાઈ ઓઝા અને ગળપાદરના સ્વસ્તિકનગરમાં રહેતા ઉમેશભાઈ ઈન્દ્રદેવ બીંદ રાત્રિના સમયે પ્લોટમાં એકત્રીત થઈ સ્કોચ વ્હિસ્કીની મહેફિલ માણતા હતા. જેથી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી આ છ નબીરાઓને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી ક્રિઆ સોનેટ ગાડી નં.જીજે૧ર-એફએ-૭૦ર૦ કિંમત રૂા.૭ લાખ, સ્વિફટ ડિઝાયર ગાડી નં.જીજે૧ર-સીડી-પ૮૦ર કિંમત રૂા.૩ લાખ અને એક્ટિવા નંબર જીજે૦૪-ડીપી-પપ૯૯ કિંમત રૂા.૩૦ હજાર અને એક્ટિવા નંબર જીજે૧ર-સીએફ-૯૯૩૭ કિંમત રૂા.૩૦ હજાર મળી કુલ રૂપિયા ૧૦,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.