ગાંધીધામમાં પાણીના ટેન્કરના ઠેકામાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાકટર દ્વારા ચલકચલાણાની મોટી બૂમરાડ..!

જુઓ તો ખરા, આ તે ગાંધીધામ સુધરાઈમાં કેવું અંધેરરાજ..! : કોના ટેન્કર, કોના ડ્રાયવર અને કોના ઉધારાય છે પગાર? પાણીના ટેન્કરોના કામ રાખનાર કોન્ટ્રાકટર દ્વારા નગરપાલિકાના જ ડ્રાયવરો મારફતે ફેરા કરાવી, ખુદના ડ્રાયવરોના પગાર ઉધારાતા હોવાની છે ચકચાર : પગાર લેવાય છે ૧ર હજારને દેવાય છે ૬ હજાર

અગાઉ ફેબ્રુઆરી માસમાં પાણીની ખેંચ હતી તે વખતે ટેન્કરો ચલાવાતા હતા, હાલમાં નગરપાલિકાના ટેન્કરો મારફતે જ પાણી વિતરણ થાય છે, મહીનામાં એકાદ-બે વખત પ્રશ્ન થાય તો એકાદ-બે ટેન્કર ભાડે લેવાની ફરજ પડે છે, એટલે ગેરરીતીની શકયતાઓ ઓછી છે, છતા ક્રોસ વેરીફીકેશન કરાવીશું :શ્રી દર્શનસિહ ચાવડા (મુખ્ય કારોબારી અધિકારી)

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક હબ સમાન ગાંધીધામ શહેરની નગરપાલીકા હાલના સમયે એક યા બીજી રીતે સતત વિવાદો અને ચકચારનું કેન્દ્ર જ બનતી રહે છે. અહી જેની લાઠી તેની ભેંસના તાલે જેને મજા આવે તે લાકડાની તલવારો ચલાવવા મંડી જતા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છેે. દરમ્યાન જ હવે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ભરચોમાસે એકતરફ ગાંધીધામ સંકુલમાં લોકોને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે, મોરચાઓ સુધરાઈ સુધી મંડાતા રહે છે, આંતરીક હુંસ્સાતુસ્સી પણ થાય છે તો બીજીતરફ પાણીના ટેન્કરો ચાલુ કરી દીધા હોવાના નામે પણ ઠેરેદારો દ્વારા સુધરાઈમાં પોલમપોલ જ ચલાવવામાં આવી રહી હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે.આ અંગે લોકોમાં ચર્ચાતી વિગતોની વાત માંડીએ તો નગરપાલિકા દ્વારા શહેરમાં લોકોને પાણીની ઘટ ન સર્જાય તે માટે પાણીના ટેન્કરના ઠેકાઓ આપવામં આવ્યા હતા. પરંતુ આ કામ રાખનાર ઠેકેદાર પાર્ટી દ્વારા લોકોને પાણી પહોંચાડવાના નામે માત્ર અને માત્ર લોકોના ટેક્ષના પૈસા અને સરકારની તીજોરી પર જ લુંટ ચલાવવામાં રસ હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, ટેન્કરો, ડ્રાયવર અને તેમના પગારને લઈને ખોટા આંકડાઓ જ ઉધારાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે.લોકો કહી રહ્યા છે કે, જુઓ તો ખરા નગરપાલિકામાં કેવો અંધેરરાજ ચાલી રહ્યો છે? ટેન્કર કોના, ડ્રાયવર કોના અને પગાર કોણ ખાય છે? વાત જાણે એમ છે કે, ટેન્કરો કદાચ ઠેકેદારના હશે પરંતુ ડ્રાયવર નગરપાલીકાના જ તે ઉપયોગમાં લે છે અને પગાર ખોટા ખોટા ઉધારાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે. આ અંગે ગાંધીધામ સુધરાઈના સીઈઓશ્રી ચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે,અગાઉ ફેબ્રુઆરી માસમાં પાણીની ખેંચ હતી તે વખતે ટેન્કરો ચલાવાતા હતા, હાલમાં નગરપાલિકાના ટેન્કરો મારફતે જ પાણી વિતરણ થાય છે, મહીનામાં એકાદ-બે વખત પ્રશ્ન થાય તો એકાદ-બે ટેન્કર ભાડે લેવાની ફરજ પડે છે, એટલે ગેરરીતીની શકયતાઓ ખુબ ઓછી છે, છતા ક્રોસ વેરીફીકેશન કરાવીશું તેવી ખાત્રી શ્રી ચાવડાએ ઉચ્ચારી હતી.