ગાંધીધામમાં પરપ્રાંતિય શ્રમીક વસાહતોમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો

કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા પોલીસને કરાઈ રજૂઆત

ગાંધીધામ : ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં પચરંગી વસતી હોવાના કારણે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, તેવામાં આંબેડકરનગર, કાર્ગો સહિતના શ્રમીક વસાહત વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ વધી છે. જેમાં ચોરી ચપાટી, વેશ્યાવૃત્તિ, દેશીદારૂ સહિતની ગેરપ્રવૃત્તિઓ વધી છે. ત્યારે પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે.
કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા પોલીસવડાને કરાયેલી રજૂઆત મુજબ ગાંધીધામ બી ડિવિઝનમાં દરરોજ આ વિસ્તારોની ફરિયાદ દાખલ થાય છે. દારૂ, જુગાર, નશાખોરી, ખંડણી, ચોરી, લૂંટ, હુમલા, મારામારી સહિતની બદીઓ વધી ગઈ છે. અહીં શ્રમિકો મોટાભાગે વસવાટ કરે છે, પરંતુ કાયદાનો ખોફ ઘટી ગયો હોવાનું જણાઈ આવે છે. કાર્ગો વિસ્તારમાં અસમાજિક પ્રવૃત્તિઓને પોલીસ દ્વારા ડામવા આવે તેવી માંગણી કરાઈ છે. મોટાભાગના શ્રમિકો કંડલા પોર્ટ અને કંપનીઓમાં કામ કરે છે. આ વિસ્તારની શાંતિ ડહોળતા અને શ્રમિકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરતા તત્ત્વોને પાસા તળે જિલ્લા બહાર મોકલવામાં આવે તેવું સંસ્થાના અધ્યક્ષ મિશ્રાએ જણાવ્યું છે.