ગાંધીધામમાં નાબાલીક સાથે અડપલા કરતા મેડિકલના સંચાલક ઢગાની ધરપકડ

ગાંધીધામ : શહેરના ગણેશનગર વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં નાબાલીક સાથે શારીરિક અડપલા કરતા મેડિકલના સંચાલક સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં આવેલ રાધિકા મેડિકલ સ્ટોરમાં ૧૪ વર્ષિય સગીર કન્યા મેડિકલ સ્ટોરમાં કોઈ વસ્તુ લેવા ગયેલ ત્યારે મેડિકલના સંચાલક મુકેશ દેવરીયાએ આ સગીરા સાથે શારીરિક અડપલા કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ ઘરે જઈ સમગ્ર બનાવની જાણ પોતાની માતાને કરતા મામલો પોલીસના દ્વારે પહોંચ્યો હતો. બી ડિવિઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો તથા છેડતીની કલમો હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ એમ.એમ. વાંઢેરે તપાસ હાથ ધરી હતી અને મેડિકલ સ્ટોરનો સંચાલક એવા પ૪ વર્ષના ઢગો મુકેશ પચાણ દેવરીયાને પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કઠુઆ, સુરત અને ઉન્નાવમાં બાળકીઓ સાથે બનેલા દુષ્કર્મ હત્યાના બનાવથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે આવા બનાવને અંજામ અપાય તે પહેલા ઢગો પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.