ગાંધીધામમાં ટેન્કરની ટાંકીમાં વેલ્ડિંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત

ગાંધીધામ : શહેરના ખોડિયાનગર પાસે ટ્રાન્સપોર્ટનગરમાં ટેન્કરની ટાંકીમાં કરાતા વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા એક કારીગરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દફતરેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ ટ્રાન્સપોર્ટ નગરમાં એક કેમિકલ ટેનકરની ટાંકીમાં વેલ્ડિંગનું કામકાજ કરાતું હતું. જેમાં કારીગર ટેન્કરની ટાંકીની અંદર ઉતરીને કામ કરતો હતો. દરમિયાન અચાનક કોઈ પણ કારણોસર ટાંકીમાં બ્લાસ્ટ થતા કારીગર અંદર જ મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સૂત્રોનું માનીએ તો ટેન્કરની ટાંકીમાં થોડુ-ઘણુ કેમિકલ રહી ગયું હોવાને કારણે બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી. આ લખાય છે ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરાઈ છે હજુ સુધી મૃતકનું નામ જાણી શકાયું ન હતું.