ગાંધીધામમાં ગાંજા સાથે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે ખોડિયારનગરમાં આવેલા મકાનમાં છાપો મારી એક શખ્સને ર,૧ર૦ કિલોગ્રામ ગાંજા સાથે પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એચ.એલ. રાઠોડ તથા સ્ટાફને બાતમીના આધારે મૂળ જુના કટારિયા તા. ભચાઉ હાલે ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા જુમા ઈબ્રાહીમ રાઉમાના મકાનમાં છાપો મારી ર,૧ર૦ કિલોગ્રામ ગાંજો કિ.રૂા. ૧ર,૭ર૦ સાથે પકડી પાડ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ફોજદારી નોંધાવી હતી. આરોપીએ ગાંજો કયાંથી લાવેલ અને કોના પાસેથી મેળવેલ ગાંજાનો કેટલા સમયથી વેચાણ કરતો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંજા પ્રકરણમાં પકડાયેલા શખ્સને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકાર્યાના બીજા જ દિવસે ફરી પાછા ગાંધીધામમાંથી ગાંજાનો જથ્થો પકડાતા હડકમ મચી જવા પામી હતી. ગાંજો પકડી પાડવાની કામગીરીમાં પીઆઈ એચ.એલ. રાઠોડ સાથે સ્ટાફના પૃથ્વીસિંહ જાડેજા, દેવાનંદ બારોટ, જગદીશસિંહ સરવૈયા, હરવિજયસિંહ જાડેજા, ગુલામ પલેજા, ગોપાલ સોધવ વિગેરે જોડયા હતા.