ગાંધીધામમાં આધેડને ત્રણ અજાણ્યા ઈસમોએ માર મારી ચલાવી લૂંટ

હોર્ન વગાડયાના મનદુઃખે બન્યો બનાવઃ આરોપીઓએ રોકડા રૂા. પ હજાર અને ૧૦ હજારનો મોબાઈલ લૂંટ્યો

ગાંધીધામ : અહીંના હાઈવે પર આવેલ સત્કાર હોટલની સામે રોડ પર મારામારી અને લૂંટની ઘટના બની હતી, જેમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એક આધેડને માર મારીને ૧પ હજારની માલમતાની લૂંટ ચલાવી હતી.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સંજયસિંઘ સુલ્તાનસિંઘ રાજપુત (ઉ.વ.૪૮) એ ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ હોર્ન વગાડવાના મનદુઃખે ફરિયાદીને માથા અને મોઢાના ભાગે લોખંડના બોથડ પદાર્થ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ મારકુટ કરી ગાળાગાળી કરીને ફરિયાદી પાસેથી રોકડ રૂા. પ૦૦૦ અને રૂા. ૧૦ હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ્લ ૧પ૦૦૦ની લૂંટ ચલાવી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ કે. જે. ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.