ગાંધીધામમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને હડફેટમાં લેતા મોત

ગાંધીધામના નેક્સા શો-રૂમ નજીક પુલિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : શહેરમાં ગત રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવાન કાળનો કોળીયો બન્યો હતો. ગાંધીધામમાં આવેલા નેક્સા શો-રૂમથી આગળ પુલિયા નજીક મસ્જિદ પહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટમાં લેતા કમકમાટી ભર્યું ભોત નિપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફેટલ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અશ્વિનકુમાર અમરસિંઘ જાટએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના સાળા રાજેશભાઈ સક્સેનાને હળફેટમાં લઈને મોત નિપજાવ્યું હતું. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ હતભાગી રાજેશભાઈ પોતાના કબજાની જીજે૧ર-ડીસી-૩૭૮૮ નંબરની બાઈક મારફતે પોતાના ઘેર અંબિકાનગર જતા હતા તે દરમિયાન ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં નેક્સા શો-રૂમથી આગળ પુલિયા નજીક મસ્જિદ પહેલા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઈકને હડફેટમાં લેતા હતભાગીને માથાના પાછળના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. હતભાગીને સારવાર માટે ખસેડાય તે પૂર્વે મોત નિપજ્યું હતું. ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધતા આગળની તપાસ હાથ ધરાઈ છે.