ગાંધીધામમાંથી ૩૬ લાખના બેઝઓઈલ સાથે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે રાત્રે દરોડો પાડીને તાત્કાલિક નોંધી એફઆઈઆર : અંજારનો એક શખ્સ દરોડા દરમિયાન હાજર ન મળતા ત્રણ શખ્સો વિરૂદ્ધ ફોજદારી : પોલીસે ૬૬ હજાર લિટર બેઝઓઈલના જથ્થા સહિત બે ટેન્કર મળીને કુલ ૬૬.૮૧ લાખનો મુદ્દમાલ કર્યો કબજે

ગાંધીધામ : કચ્છમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના વેપલા પર પોલીસની ધોંસ યથાવત છે. તેવામાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સેક્ટર-૮મા કરેલી કાર્યવાહીમાં તાત્કાલિક એફઆઈઆર દર્જ કરી હતી. પોલીસે પાડેલા દરોડામાં ૩૬,૩૦,૦૦૦ની કિંમતનો ૬૬ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે ટેન્કરમાંથી ઝડપાયેલા બેઝઓઈલના જથ્થા સહિત કુલ ૬૬,૮૧,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે બે શખ્સોની ધરપકડ કરાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીની થતી હેરફેર અને સંગ્રહખોરીને ડામવા માટે પેટ્રોલિંગ હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે ગાંધીધામના સેક્ટર-૮મા આવેલા પ્લોટ નં.૧૦૭મા દરોડો પાડવામાં આવ્યો હતો. બનાવ સ્થળેથી પોલીસે બે ટેન્કરમાં ભરાયેલું ૬૬ હજાર લિટર બેઝઓઈલ કબજે કર્યું હતું. જેની કિંમત ૬૬,૩૦,૦૦૦ આંકવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં રાજસ્થાનના બે શખ્સ દિનેશ વિરારામ મીર અને મોટારામ બાબુરામ જાટની ધરપકડ કરવામાં આવ હતી. જ્યારે અંજારના માથકમાં રહેતો સામજી વજાભાઈ અવાડિયા (આહિર) નામનો શખ્સ રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો. આરોપીઓ પોતાના કબજાના વાડામાં ગેરકાયદેસર રીતે બેઝઓઈલનો સંગ્રહ કરી કોઈપણ પ્રકારની સેફટી વિના વેપલો કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે પાળેલા દરોડામાં ૩૦ લાખના બે ટેન્કર, ૩૬,૩૦,૦૦૦ની કિંમતનું ૬૬ હજાર લિટર બેઝઓઈલ, સ્ટોરેજ માટે રખાયેલ રૂા.પ૦ હજારની ખાલી ટેન્ક, તેમજ ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકના પાઈપ મળીને કુલ ૬૬,૮૧,ર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાત્રે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહી બાદ તુરંત જ પોલીસ દફતરે વિધિવત એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેની તપાસ ગાંધીધામ બી-ડિવિઝન પીએસઆઈ જી.કે. વહુનિયા દ્વારા હાથ ધરાઈ છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ બેઝઓઈલનો જથ્થો ઝડપાયા બાદ માત્ર સ્ટેશન ડાયરીમાં નોંધ થતી હતી. જોકે હવે અગાઉના ગુનાઓમાં પણ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે નવા ઝડપાતા જથ્થામાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી રહી છે.

રાપરના પ્રાગપર નજીકથી પ.૮૪ લાખના બેઝઓઈલનો જથ્થો ઝડપાયો

ટેન્કરમાંથી બોલેરો જીપમાં બનાવેલા ટાંકામાં જથ્થો ભરાતો હતો તે દરમિયાન ત્રાટકી પોલીસ : ૮૯૯૪ લિટર બેઝઓઈલના જથ્થા સહિત પોલીસે કુલ ૧૭.૭૪ લાખનો મુદ્દામાલ કર્યો કબજે : દરોડામાં બે શખ્સોની કરાઈ ધરપકડ, એક સગીર આવ્યો કાયદાના સંઘર્ષમાં

રાપર : પૂર્વ કચ્છમાં બેઝઓઈલની હેરાફેરી અને સંગ્રહખોરી પર પોલીસની તવાઈ જારી છે તેવામાં રાપર પોલીસે પ્રાગપર ગામના વાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીની ગેરકાયદેસર રીતે કરાતી હેરફેર પર તવાઈ બોલાવી હતી. બેઝઓઈલનો જથ્થો ટેન્કરમાંથી બોલેરોમાં બનાવેલી ટેન્કમાં ભરીને કટિંગ કરાતો હતો તે દરમિયાન રાપર પોલીસે દરોડો પાડીને પ.૮૪ લાખના બેઝઓઈલના જથ્થા સહિત કુલ ૧૭.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી રાપર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી હકીકતને પગલે રાપરના પ્રાગપરના વાડી વિસ્તારમાં બેઝઓઈલના કરાતા કટિંગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.ઝીઝુવાડીયા, પીએસઆઇ જી.જી.જાડેજા સહિત રાપર પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પ્રાગપરના વાડી વિસ્તારમાં બાયોડીઝલ લઈને આવેલા ટેન્કર નંબર જીજે-૦૪-એક્સ ૬૩૪૧માંથી જીજે૧ર-બીએક્સ-૩૩૧પ નંબરની બોલેરો જીપમાં બનાવાયેલા ટેન્કમાં જથ્થો ભરવામાં આવતો હતો. બાયોડીઝલની કટિંગ થાય તે પૂર્વે જ પોલીસે પાળેલા દરોડામાં ૮૯૯૪ લિટર બાયોડિઝલનો જથ્થો કિંમત રૂા. પ,૮૪,૬૧૦ તેમજ ટેન્કર, બોલેરો જીપ અને બે પમ્પ મળીને કુલ ૧૭,૭૪,૬૧૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસની આ કાર્યવાહીમાં કિડિયાનગરમાં રહેતા આરોપી ઋષિરાજસિંહ ધનશ્યામસિંહ વાઘેલા અને સોનલવામાં રહેતા લાલાભાઈ ડાયાભાઈ ભરવાડની ધરપકડ કરાઈ હતી. જ્યારે અન્ય એક સગીરવયનો કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો હતો. રાપર પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંગે પણ તાત્કાલિક ધોરણે પોલીસ દફતરે વિધિવત ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી હતી.