ગાંધીધામમાંથી બે કિલા ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

કાર્ગો પીએસએલ ઝુપડામાં રહેતા પરપ્રાંતિય શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીની ટીમે દબોચ્યા : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે નોંધાયો ગુનો

ગાંધીધામ : શહેરના કંડલા કાર્ગો તરફ જતા સર્વિસ રોડ પરથી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે પૂર્વ કચ્છ એસઓજીની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બનાવને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો નોંધાવાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છના ઈન્ચાર્જ એસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન તળે પૂર્વ કચ્છ એસઓજીની ટીમ નશીલા માદક પદાર્થોની હેરફેર અને ગેરકાયદેસર રીતે કરાતા વેચાણને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે ગાંધીધામથી કંડલા તરફ જતા સર્વિસ રોડ પર ટાટા મોટર્સના શો-રૂમ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મુળ બિહારના અને હાલ કાર્ગો પીએસએલ ઝુપડામાં રહેતા રાજુકુમાર ગરભુ રાય તેમજ રાકેશકુમાર યુગેશ્વર રાયની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીઓ મીથીલેશ યાદવના ઝુપડામાં રહેતા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી ૧.૯પ૬ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂા.૧૯,પ૦૦ તેમજ બે મોબાઈલ, રોકડા રૂપિયા ર૩૦૦ મળીને કુલ ર૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે પોતાના કબજામાં ગાંજો રાખ્યો હતો. એસઓજીની ટીમે બન્ને શખ્સોને પકડી પાડતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે એસઓજી પીએસઆઈ એન.કે. ચૌધરીએ એનડીપીએસ એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો. જેના પગલે ગાંધીધામ બી-ડિવિઝન પીએસઆઈ એન.આઈ. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.