ગાંધીધામનો બુટલેગર જાેડિયાના ભાદરા નજીકથી દારૂ સાથે જબ્બે

કારમાં શરાબ લઈને જતા આરોપીઓનો પોલીસે પીછો કરતા દારૂ ભરેલી એક કાર પલ્ટી મારી અને બીજી કાર દીવાલ સાથે અથડાઈ : બન્ને કારમાંથી પોલીસે શરાબની ૪૮૦ બોટલ કબ્જે કરી : ગાંધીધામના જખ્મી બુટલેગરની અટક

ગાંધીધામ : જાેડિયા તાલુકાના ભાદરા પંથકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન દારૂ ભરેલી બે કાર સાથે બુટલેગરો નીકળતાં પોલીસે તેમનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બન્ને કાર બે કિલોમીટર સુધી ભગાડી ગયા પછી એક કાર પલટી મારી ગઇ હતી, જ્યારે બીજી કાર દિવાલ સાથે ટકરાઇ ગઇ હતી. જેમાં જખ્મી થયેલા ગાંધીધામના બુટલેગરને પોલીસે દબોચી લીધો હતો જયારે બીજી કારનો ચાલક નાસી છુટ્યો હતો. પોલીસે બન્ને કારમાંથી ૪૮૦ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરાઈ હતી.

જાેડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે દરમ્યાન કચ્છ તરફથી જતી બે કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો. દરમ્યાન ચાલકો કાર લઈને ભાગ્યા હતા, ત્યારે પોલીસે બન્ને કાર ચાલકોનો પીછો કર્યો હતો. ભાદરા પાટીયાથી લખતર ગામ તરફ કાર સાથે ભાગતા હતા ત્યારે એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને બીજી કાર દિવાલ સાથે ભટકાઈ હતી. પલટી મારીને રોડથી નીચે ઉતરી ગયેલી કારમાંથી ગાંધીધામના જખમી થયેલા બુટલેગરની પોલીસે અટક કરી હતી. આરોપી જયરાજસિંહ ખેતુભા સોઢા (ઉંમર વર્ષ ૨૨)ને પોલીસે ઝડપી પાડી તેને સારવાર માટે ખસેડયો હતો. કારની અંદર રાખવામાં આવેલો ૧૯૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો અને કાર વગેરે ચાર લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.

પોલીસે આરોપીની પુછતાછ કરતા દારૂનો જથ્થો ગાંધીધામના વતની રાકેશ યાદવ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું તેમજ જાેડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતા જયપાલસિંહ વનરાજસિંહ વાઘેલાને આપવાનો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે રાકેશ અને જયપાલસિંહ બંનેને ફરારી જાહેર કરી શોધખોળ આરંભી છે. જ્યારે બીજી કારમાં જુદી-જુદી બ્રાન્ડની ૨૯૦ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ કાર સહિત રૂપિયા પાંચ લાખ ૭૦ હજારની માલમતા કબજે કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં કાર બાલાચડીનો જયપાલસિંહ વાઘેલા ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે કાર દિવાલમાં ભટકાયા બાદ નાસી ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.