ગાંધીધામની હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા પ્રાંત કચેરીએ તબીબ અને સ્વજનો દ્વારા કરાઈ ભારપૂર્વકની રજૂઆત

હોસ્પિટલમાં મોરબી, સુરેન્દ્રનગરના દર્દીઓ છે દાખલ : રજુઆત થતા પ્રાંત અધિકારીએ ત્વરીત નિર્ણય લઈ ઓક્સિજન માટેની વ્યવસ્થા ગોઠવી આપી

ગાંધીધામ : હાલ જિલ્લામાં ઓક્સિજનની ભારે બુમરાડ ઉઠી રહી છે. જિલ્લાકક્ષાએથી આયોજનો પણ ઘડાયા છે. જો કે, કયાંકને કયાંક ચુક રહી જતી હોવાથી ઓક્સિજન વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચે છે. ગાંધીધામમાં આવેલી પ્રાઈવેટ સ્પાન હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખુટી જતા તબીબ તેમજ દર્દીઓન સગાઓ દ્વારા અંજાર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ત્વરીત પ્રાણવાયુ મળી રહે તે માટે પ્રાંત અધિકારી દ્વારા ૧૯ સિલિન્ડર ફાળવાયા છે.આ અંગેની વિગતો મુજબ આ હોસ્પિટલમાં મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના દર્દીઓ દાખલ છે. જો કે, આજે ઓક્સિજન ખુટી જતા તબીબ તેમજ સ્વજનો પ્રાંત અધિકારીને રૂબરૂ રજુઆત માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રાંત અધિકારીએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા કક્ષાએથી ઓક્સિજન માટે બેઠકો યોજવામાં આવે છે, તેમાં તમે કેમ હાજર રહ્યા નથી. વિસ્તારની ર૯ હોસ્પિટલો પૈકી ર૮ હોસ્પિટલમાં ઓક્સિજન વિતરણ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તમે બેઠકમાં હાજર રહ્યા ન હતા, તેવું કહેતા તબીબે કહ્યું કે, અમે દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા એટલે સમય ન મળ્યો. હાલમાં જથ્થો નથી જેથી દાખલ દર્દીઓના પ્રાણ બચાવવા ઓક્સિજન આપવા માટે વિનંતી કરાઈ હતી. આ દરમ્યાન ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી. જો કે, અંતમાં દર્દીઓના હિત ખાતર હોસ્પિટલને ઓક્સિજન ફાળવાયા હતા. પ્રાંત અધિકારી ડો. વિમલ જોશીએ જણાવ્યું કે, જિલ્લા કક્ષાએથી ગઈકાલે ડીડીઓ તેમજ તેના બે દિવસ પૂર્વેથી ઓક્સિજનની જરૂરીયાત માટે મિટીંગ યોજવામાં આવે છે, જેમાં જે હોસ્પિટલોએ રિકવાયરમેન્ટ રજૂ કરી છે તેઓને વ્યવસ્થા કરી અપાઈ છે. આ હોસ્પિટલના જવાબદારો મિટીંગમાં હાજર રહ્યા ન હતા. જેથી વ્યવસ્થા થઈ નથી. આજે સવારે દર્દીઓ સાથે તેઓ આવ્યા હતા, જેથી તંત્ર તરફથી સ્થાનીકેથી બનતા પ્રયાસોના ભાગરૂપે ૧૯ સિલીન્ડર ફાળવાયા છે. ગઈકાલે પણ ૯ અને ૧૦ મળી ૧૯ સિલીન્ડર ફાળવાયા હતા. જો અમારી પાસે જથ્થો બચશે તો વધુ સિલીન્ડરો પણ હોસ્પિટલને પહોંચતા કરાશે. તંત્ર તમામ સ્થળોએ આયોજન ગોઠવી વ્યવસ્થાઓ કરી રહ્યું છે. લોકો પણ તેમાં સહકાર આપે તે જરૂરી છે.