ગાંધીધામની યુવતીએ ભુજમાં એસિડ પીને કર્યો આપઘાત

ભુજના ભારાસરમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ ફાનિ દુનિયાને કરી અલવિદા

ભુજ : જિલ્લામાં આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. જેમાં આજે પણ આપઘાતના બે કિસ્સાઓમાં ગાંધીધામની યુવતીએ ભુજમાં તેની મોટી બહેનના ઘેર એસીડ પીને આપઘાત કર્યો હતો, તો ભુજના ભારાસરમાં રહેતા આધેડે આત્મઘાતિ પગલું ભરીને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બન્ને હતભાગીઓએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ભારતનગરમાં રહેતી રર વર્ષિય રોશની લાલજીભાઈ ભાનુશાલી નામની યુવતીએ ગત રોજ તેની મોટી બહેનના ઘરે એસીડ પી જતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં દમ તોડયો હતો. બનાવને પગલે હતભાગીના પિતા લાલજીભાઈ ભાનુશાલીએ હોસ્પિટલ ચોકીએ આપેલી કેફિયત મુજબ છેલ્લા ૭-૮ દિવસથી હતભાગીની માનસિક બિમારીની સારવાર કરાવવા ભુજ લાવવામાં આવી હતી. ત્યારે ભુજના છઠ્ઠીબારી રિંગરોડ પર આવેલ કેસવ એપાર્ટમેન્ટમાં હતભાગીએ તેની મોટી બહેનના ઘરે એસીડ પી જઈને આત્મઘાતિ પગલું ભર્યું હતું. હતભાગીની સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ તરફ ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતા ૬૦ વર્ષિય શિવજી રવજી હિરાણીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હતભાગીના પુત્ર પ્રેમજીએ જી.કે. જનરલ હોસ્પિટલમાં આપેલા નિવેદન મુજબ તેના પિતાએ કોઈ અગમ્ય કારણોસર પંખાના હુંકમાં દોરી બાંધીને ગળેફાંસો ખાધો હતો. રાત્રિના ૧થી ર વાગ્યાના અરસામાં વૃદ્ધે આત્મઘાતિ પગલું ભર્યું હતું. બનાવને પગલે હતભાગીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડતા વહેલી પરોઢે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા માનકૂવા પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.