ગાંધીધામની મુખ્ય બજારમાં પાલિકા દ્વારા દબાણ હટાવી સફાઈ કરાઈ

મુખ્ય બજાર વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં દબાણ હોવાથી રોજિંદા ટ્રાફિક જામની સર્જાતી હતી સ્થિતિ : વેપારી મંડળની રજૂઆત બાદ પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કરાઈ

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : આર્થિક પાટનગર ગાંધીધામની મુખ્ય બજાર વિસ્તારમાં ગંદકી અને દબાણના પ્રશ્નો વધી જતાં વેપારી મંડળ દ્વારા પાલિકા અને પોલીસમાં રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ હરકતમાં આવેલા તંત્રએ બે દિવસની કાર્યવાહી કરી મુખ્ય બજારમાં દબાણ હટાવી રસ્તાઓ ચોખા ચણક બનાવ્યા છે. આ અંગેની વિગતો મુજબ ગાંધીધામની મુખ્ય બજાર દાદી નિર્મલા ગજવાણી માર્કેટમાં સમસ્યાઓ વધી ગઈ હતી. સરદાર પટેલના પૂતળાથી ગાંધી માર્કેટ સુધી વિકસેલા આ મુખ્ય બજારમાં પાર્કિંગની જગ્યા પર લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, નિરંકુશ બનતા વેપારી વર્ગ અને આમ લોકો ત્રસ્ત બન્યા છે, જેના કારણે બજારમાં આવેલી દુકાનોમાં ગ્રાહકો જઈ શકતા ન હતા. તેમજ પાર્કિંગની પણ જગ્યા ન હોવાથી વેપાર ધંધાને અસર પડી રહી છે. ચૂંટણીના સમયે સાફ સફાઈ થઈ બાદ કોઈ મુદ્દા પર પ્રશાસને ધ્યાન આપ્યું નથી. ગાંધીનું ધામ ગંદકી ધામ થઈ ગયું હોઈ તેવું આ નગરના લોકોએ રોષ ભેર જણાવ્યું હતું. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની દ્વારા એ ડિવિઝન પોલીસમાં અને પાલિકામાં રજૂઆત કરાઈ હતી. વાર તહેવારી બેસતા પાથરણા અને લારીવાળાઓએ પાર્કિંગની જગ્યા પર કાયમી કબ્જો લઈ લેતાં વેપારીઓ સાથે ખટપટના બનાવો પણ બન્યા હતા. રજૂઆતો બાદ અંતે છેલ્લા બે દિવસથી પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય બજારમાં સંયુક્ત કામગીરી શરૂ કરાઈ છે, જેમાં નડતર રૂપ દબાણો હટાવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પણ પાથરણા – લારીવાળા વેપારીઓના સરકારી તંત્ર સાથે રકઝકના બનાવો બની રહ્યા છે.