ગાંધીધામની એ ત્રિપુટીએ અનેકને શીશામાં ઉતાર્યા હોવાની ચર્ચાઓ

પોલીસ તટસ્થતા પૂર્વક તપાસ કરીને કુંડળી કાઢે તો અનેક છેતરપિંડીઓના ભેદ ખુલે : અન્ય ભોગગ્રસ્તો પણ આગળ આવે : સરકાર અને વહિવટીતંત્ર આવા તત્વો સામે પાસા સહિતનું શસ્ત્ર ઉગામે તે જરૂરી

ગાંધીધામ : અંજાર – ગાંધીધામના વેપારીઓ પાસેથી માલ ખરીદીને નાણાં નહીં ચુકવી વિશ્વાસઘાત ઠગાઈ આચરનાર ત્રિપુટી વિરૂદ્ધ અંજાર અને ગાંધીધામમાં બે ગુના નોંધાયા છે અને આરોપીઓ પણ દબોચાયા છે, ત્યારે વર્તુળોમાંથી એવી પણ વિગતો સામે આવી છે કે, આ ત્રિપુટીએ અન્ય કેટલાકને પણ નવડાવ્યા છે. ગાંધીધામની વચલી બજારમાં જલારામ ઈલેકટ્રીક્સ નામની દુકાનના માલિક જનક તારાચંદ ભારવાણી પાસેથી ૩૦ પંખા લઈને ૩૯,૦૦૦નો ચૂનો ચોપડયા ઉપરાંત અંજારમાં પરમાર ઈલેકટ્રોનિક્સ નામની દુકાન ધરાવતા હિંમત રમેશ પરમાર પાસેથી પણ તેવી જ રીતે માલ લઈ ચેક આપીને ચેક વટાવવા જતાં રીટર્ન થયો હતો અને અંજારના વેપારી સાથે પણ પર,૦૦૦ની વિશ્વાસઘાત ઠગાઈ થઈ હતી. જે પોલીસે આરોપી અમર ઠક્કર, ઉમેશ લાલવાણી અને વિનોદ હરિરામ દુબેની સામે ગુનો નોંધી આરોપીઓની અટક કરી હતી. આ ઠગ ત્રિપુટી ઝડપાયાની વિગતો સામે આવ્યા બાદ અનેક વેપારીઓને તેઓએ આ રીતે ચૂનો ચોપડયાનો ગણગણાટ થઈ રહ્યો છે. પોલીસ ફરિયાદ સહિતની લપમાં ન પડવા ઈચ્છતા અનેક વેપારીઓએ વિધિવત ગુનો નોંધાવવાનું ટાળ્યું પણ હતું. ત્યારે પોલીસ આરોપીઓની ઝીણવટ ભરી તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે. અને ભોગ બનાર વેપારીઓ પણ વિધિવત એફઆઈઆર નોંધાવવા આગળ આવે તો ન્યાય મળે તેમ છે. આ ચીટરોએ માત્ર ફરિયાદ નોંધાવનાર ર આરોપીઓ જ નહી બીજા અનેકને શીશામાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પોલીસ તપાસમાં વધુ શું વિગતો બહાર આવે છે, તે જોવું રહ્યું.