ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં તંત્રની ટીમો દ્વારા ચેકિંગ

  • કોરોનાના ગાઈડલાઈનની અમલવારી માટે પોલીસ-વહીવટી તંત્ર હરકતમાં

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરી રાખવા લોકોને કરાયા જાગૃત્ત : કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે દંડકીય કાર્યવાહી

ગાંધીધામ : જિલ્લામાં કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. લોકોની લાપરવાહીના કારણે આ જીવલેણ મહામારીનું સંક્રમણ વિસ્તરી રહ્યું છે ત્યારે ગાંધીધામમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવા માટે પોલીસ અને વહીવટી તંત્રની ટીમો હરકતમાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં જાગૃત્તિ ફેલાવા સાથે ચેકિંગ કરીને નિયમોનો ભંગ કરનાર સામે દંડકીય કાર્યવાહી કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થવાના કારણે ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવાયો છે તો કોરોના અન્વયે સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાઓનું ચૂસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસે દંડો પછાડ્યો છે. ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં ગાંધીધામ મામલતદાર, નગરપાલિકા અને પોલીસ સ્ટાફ દ્વારા સંઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પ્રાંત અધિકારી વિમલ જોષીના હુકમથી ગાંધીધામના ૧ર-બી વિસ્તાર સહિત પેન્ટાલુમ, રિલાયન્સ, એમઆર મોલ તેમજ મેક્સ મોલની આસપાસના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. મામલતદાર ચિરાગ હિરવાણીયા, નાયબ મામલતદાર હરેશ જોષી, ગાંધીધામ નગરપાલિકાનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફે આ વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકર મારફતે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરી રાખવા જાગૃત્ત કર્યા હતા. તંત્ર અને પોલીસ દ્વારા જનજાગૃત્તિ બાદ પણ નિયમોનો ભંગ કરનાર સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં તંત્ર અને પોલીસ દ્વારા લોકો પાસેથી ર૬ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.