ગાંધીધામના લીલાશા સર્કલ પાસે નાસ્તાના ધંધાર્થીઓને કારણે અસામાજીક તત્ત્વોનો ત્રાસ

અગાઉ લીલાશાનગર નવરાત્રી મંડળ દ્વારા ઉભી રખાતી હતી લારીઓ : હવે સંચાલન સુધરાઈને સોંપાયા બાદ દિન પ્રતિદિન કથળતી જતી સ્થિતિ : લીલાશાનગર પાસે અસામાજીક તત્ત્વો દ્વારા દાદાગીરી, છેડતી, મારામારીના દ્રશ્યો બન્યા રોજિંદા

 

ગાંધીધામ : શહેરમાં આવેલા લીલાશા સર્કલ પાસે અસામાજીક તત્ત્વો દ્વારા મારામારી, દાદાગીરી, છેડતીના બનાવો રોજિંદા બન્યા છે. અહીંના સર્કલ પાસે ઉભા રહેતા નાસ્તાના લારી ધારકોને કારણે અસામાજીક તત્ત્વો અડિંગો જમાવીને બેફામ બન્યા છે. તેવામાં સુધરાઈ સહિત પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.
ગાંધીધામના લીલાશા સર્કલ પાસે હાલ ૩૦ થી ૪૦ રેકડીધારકો નાસ્તાનો ધંધો કરી રહ્યા છે ત્યારે અવારનવાર આ વિસ્તારમાં મારામારી, છેડતી સહિતના બનાવો બન્યા કરે છે. કેટલાક રેકડી ધારકો પાસે બેસતા લુખ્ખા – છેલબટાઉ યુવાનોને કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ ડહોળાયું છે. અગાઉ અહીંના સર્કલ પર લીલાશાનગર નવરાત્રી મંડળ દ્વારા રેકડી ધારકોનું સંચાલન કરવામાં આવતું હતું. મંડળ જ્યારે સંચાલન કરતું હતું ત્યારે માત્ર ૧૮ રેકડીઓ જ ઉભી રાખવામાં આવતી હતી અને દરેક રેકડી ધારક પાસેથી ૧૦પ૦ રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. જ્યારે હવે લીલાશાનગર નવરાત્રી મંડળે આ સંચાલન છોડીને નગરપાલિકાને સોંપણી કરી દીધી છે ત્યારે હવે નગરપાલિકા હસ્તકનું સંચાલન ખાડે ગયું છે. સુધરાઈ દ્વારા ૧૮ ને બદલે ૩૦ થી ૪૦ રેકડીઓની મંજૂરી આપી દેવાઈ છે અને રેકડી ધારકો પાસેથી ૩પ૦૦ થી પ૦૦૦ સુધીનું ભાડું વસુલવામાં આવે છે. તેમાં પણ વ્હાલા – દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. લીલાશા સર્કલ પાસે ગઈકાલે રાત્રે જ વડાપાંઉની લારી પર લુખ્ખા તત્ત્વો દ્વારા મારપીટ કરાઈ હતી. આવા બનાવો અવારનવાર બન્યા કરે છે.
નાસ્તાની લારીઓને કારણે ટ્રાફીકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ટ્રાફીકમાં વધારો થવાને કારણે છેડતીના બનાવો પણ વધી રહ્યા છે. અહીંથી પસાર થતાં અસામાજીક તત્ત્વો દ્વારા યુવતીઓની છેડછાડ કરાય છે. બાઈકથી પુરપાટ વેગે આવીને યુવતીઓ સામે અશ્લિલ ચેન ચાડા કરવા ઉપરાંત તેઓની પજવણી કરવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં સુધરાઈ અને પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.