ગાંધીધામના ભારાપરમાં રૂપિયાની ઉઘરાણી મુદ્દે ઓફિસમાં તોડફોડ કરાઈ

૭૦થી ૮૦ હજારનું નુકસાન કરી ધાડ પાડનારા પાંચ ઈસમો સામે ગુનો

ગાંધીધામ : તાલુકાના ભારાપર ગામે આવેલી ઓફિસમાં રૂપિયાની ઉઘરાણી મુદ્દે તોડફોડ કરી ૭૦થી ૮૦ હજારનું નુકસાન પહોંચાડવામાં આવતા કંડલા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ભરતભાઈ મેઘજીભાઈ શાહે આ અંગે દર્શક ધોળકિયાને તેની સાથે આવેલા ૪ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ આરોપી દર્શકને ફરિયાદી પાસેથી રૂપિયા લેવાના હતા. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદીના દિકરાની ઓફિસ પર્ફેકટ કન્ટેનર ટર્મિનલ ભારાપર આવી ઓફિસમાં ધોકા વડે તોડફોડ કરી સીસી ટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક લઈ ગયા હતા. ઓફિસમાં ધાડ પાડી ૭૦થી ૮૦ હજારનું નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘરનો દરવાજો ખોલવા મુદ્દે ખોડિયારનગરમાં પરિવાર પર હુમલો

ગાંધીધામ : શહેરના ખોડિયારનગરમાં ઘરનો દરવાજો ખોલવા મુદ્દે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કરશનભાઈ ઉર્ફે ઝાલાશંકરભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ ફરિયાદીને કહ્યું કે, ઘરનો દરવાજો કેમ ખુલ્યો છે તેવું કહી એક સંપ થઈ માથામાં લાકડીથી માર માર્યો હતો. તેમજ દિકરી અને પત્નીને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

ભુજના ડીપી ચોકમાં યુવાન પર ધારિયુ-લાકડી વડે હુમલો

ભુજ : શહેરના કેમ્પ એરિયામાં આવેલા ડીપી ચોકમાં ગઈકાલે સાંજે યુવાન પર ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સલીમમામદ કુંભારે આરોપીઓ કેમ્પ એરિયામાં રહેતા સાજીદ સતાર નોડે, રજાક રફીક રાયમા, નિંઝામ બકાલી અને નજીદ નોડે સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદીએ અગાઉ આરોપીઓ વિરૂદ્ધ અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી સાજીદે હાથમાં ધારિયું માર્યું હતું. તેમજ અન્ય આરોપીઓએ લાકડીથી ફરિયાદીને પગ તેમજ હાથ ખંભાના ભાગે માર માર્યો હતો. ઈજા પામનાર યુવાનને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાતા પીએસઆઈ વી.આર. ઉલવાએ તપાસ હાથ ધરી છે.

ઉધાર આપવાની ના પાડતા છરી ઝીંકાઈ

ભુજ : આરટીઓ સર્કલથી આત્મારામ જતા માર્ગ પર પહેલી ડીપી પાસે યુવાનને છરીનો ઘા મરાયો હતો. કેમ્પ એરિયામાં રહેતા હુસેનભાઈ હમીરભાઈ હાલેપોત્રાએ આ અંગે અસ્પાક અબ્દુલ ચૌહાણ સામે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા ઉધાર માંગ્યા હતા. જે આપવાની ના પાડતા છરીનો ઘા મારી ઈજા પહોંચાડતા બી ડિવિઝનમાં ફરિયાદ થઈ છે.