ગાંધીધામના ભારાપરમાંથી ૭.૧પ  લાખનું બેઝઓઈલ ઝડપાયું 

કંડલા મરીન પોલીસે ટેન્કરમાંથી ૧૧ હજાર લિટર જથ્થો કર્યો કબજે : બે આરોપીઓ વિરૂદ્ધ નોંધાઈ ફોજદારી ફરિયાદ 
ગાંધીધામ : તાલુકાના ભારાપર ગામે સાલ કંપનીની સામે કાચા રોડ પરથી પોલીસે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા.૭,૧પ,૦૦૦ની કિમતના ૧૧ હજાર લિટર બેઝઓઈલ મનાતા પેટ્રોલિયમ પ્રવાહીનો કબજે કરી કંડલા મરીન પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી કંડલા મરીન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે ભારાપરમાં આવેલ સાલ કંપનીની સામે કાચા રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે જીજે૦૬-ટીટી-૮૦પ૪ નંબરના ટેન્કરમાં જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વિના
ગેરકાયદેસર રીતે બેઝઓઈલ મનાતા પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે પાડેલા દરોડામાં ટેન્કરમાંથી ૧૧ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો કિંમત રૂા.૭,૧પ,૦૦૦ તેમજ ૬ લાખનું ટેન્કર ઉપરાંત નોઝલ પમ્પ, ડિઝિટલ કાંટા સહિત ૧૩,૪પ,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન માથકમાં રહેતા આરોપી વિશાલ વજાભાઈ અવાડિયા અને વીરામાં રહેતા અરજણભાઈ ગેલાભાઈ ચાવડા હાજર મળ્યા ન હતા.
પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધતા કંડલા મરીન પીઆઈ કે.પી.સાગઠીયાએ આગળની તપાસ હાથ ધરી છે.