ગાંધીધામના ભારાપરની કંપનીમાં પાણીના ટાંકામાં પડી જતા યુવાનનું મોત

અંજારના વંડી (તુણા)માં પરિણીતાને ઈલેકટ્રીક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં એક યુવાન અને એક પરિણીતાનું મોત નિપજયું હતું. ગાંધીધામના ભારાપરમાં આવેલી સાલ સ્ટીલ કંપનીમાં પાણીના ટાંકામાં ડુબી જતા યુવાન મોતને ભેટ્યો હતો. તો અંજારના તુણા વંડીમાં ઈલેકટ્રીક મોટરના વાયરમાંથી શોક લાગતા પરિણીતા મોતને ભેટી હતી.
કંડલા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ભારાપરમાં આવેલી સાલ સ્ટીલ કંપનીમાં અકસ્માતે યુવાનનું મોત નિપજયું હતું. કંપનીમાં આવેલા આરઓડીએમ પ્લાન્ટના પાણીના ટાંકામાં જીતેન્દ્રભાઈ જયંતીભાઈ સતવારા (ઉ.વ.૩૮) નામનો યુવાન ડુબી જતા મોતને ભેટ્યો હતો. હતભાગી અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયા બાદ મૃત હાલતમાં મળી આવતા અન્ય સહકર્મીઓએ તેને બહાર કાઢી રામબાગ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ કંડલા મરીન પોલીસને કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, જેને પગલે એએસઆઈ મહેશભાઈ ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.તો આ તરફ અંજાર તાલુકાના વંડી તુણા ગામે રહેતી હુરબાઈ ખાલીદ મંગવાણા (ઉ.વ.ર૮) નામની પરિણીતાને વીજ શોક લાગતા મોત નિપજયું હતું. હતભાગી પોતાના ઘરે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવાના વાયરને અડી જતા તેને વિદ્યુત આંચકો લાગ્યો હતો.હતભાગીના લગ્નને છ વર્ષનો સમયગાળો થયો છે અને સંતાનમાં એક ચાર વર્ષની દિકરી છે. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરતા નાયબ પોલીસ અધિક્ષક ડી. એસ. વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.