ગાંધીધામના બે વેપારી સહિત ત્રણ મિત્રો રાજકોટની હોટલમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા

કચ્છથી કામ સબબ ગયેલા મિત્રો રાજકોટની હોટલ સરોવર પાર્ટિકોમાં રૂમ રાખી ત્રણેયે દારૂની પાર્ટી કરી હતી

ગાંધીધામ : કચ્છની કામ સબબ રાજકોટ ગયેલા બે વેપારી સહિત ત્રણ મિત્રો રાજકોટ શહેરના લીમડાચોકમાં આવેલી હોટલ સરોવર પાર્ટીકોમાં રૂમ રાખી દારૂની મહેફીલ ચાલતી હોઈ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગાંધીધામ-રાજકોટના ત્રણ વેપારીને દારૂની મહેફીલ માણતા ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.દરમ્યાન લીમડા ચોકમાં આવેલી હોટલ મારાસા સરોવર પાર્ટીકોમાં વીરેન ખત્રી નામના શખ્સે રૂમ બુક કરાવી મિત્રો સાથે દારૂની મહેફીલનું આયોજન કર્યું હોઈ જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સરોવર પાર્ટીકો હોટલના રૂમ નં. પ૧૦ માંથી દારૂની મહેફીલ માણતા ધ્રુવ અતુલભાઈ ભારદ્વાર (રહે. અંબિકા ટાઉનશીપ, કાલાવડ રોડ, રાજકોટ), હર્ષ પરેશભાઈ ખત્રી અને વીરેન ધર્મેશભાઈ ખત્રી (રહે. બન્ને ગાંધીધામ, આદિપુર, કચ્છ)ને ઝડપી પાડી દારૂની બોટલ કાચના ગ્લાસ અને વેફરના પડીકા કબજે કર્યા હતા.પોલીસ પુછપરછમાં કચ્છના હર્ષ અને વીરેન કામ સબબ રાજકોટ આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા. દરમ્યાન રાજકોટમાં રહેતો મિત્ર ધ્રુવ હોટલમાં મળવા ગયો હતો અને ત્રણેયે પાર્ટી કરી હતી.