ગાંધીધામના ટ્રાન્સપોર્ટર સાથે ૩૧ લાખથી વિશ્વાસઘાત ઠગાઈ

નાના કપાયાના ઈસમોએ ચલાવવા માટે રાખેલ બે ટ્રેઈલર પરત ન આપ્યા : ટ્રેઈલરનો લોનનો હપ્તો અને વીમો ભરવાનું જણાવી રખાયા હતા બે વાહનો

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : ગાંધીધામના ટ્રાન્સપોર્ટર પાસેથી નાના કપાયાના ચાર ઈસમોએ ૩૧ લાખની વિશ્વાસઘાત – છેતરપિંડી કરતા મુંદરા પોલીસે ફોજદારી નોંધાઈ હતી. આરોપીઓએ બે ટ્રેઈલરના લોનના હપ્તા અને વીમો ભરવાનું જણાવીને વાહનો ચલાવવા લીધા હતા. બાદમાં હપ્તા અને લોન નહીં ભરીને તેમજ ટ્રેઈલર પણ પરત ન કરીને ૩૧ લાખની વિશ્વાસઘાત – ઠગાઈ આચરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના લીલાશાનગરમાં રહેતા મેહુલ રમેશભાઈ પરમારે નાના કપાયાના વિરમભાઈ ગોપાલભાઈ ગઢવી, રાણશીભાઈ ગઢવી, શ્યામ વિરમભાઈ ગઢવી તેમજ જયેશભાઈ નામના આરોપીઓ સામે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો.ફરિયાદીના માલિકીના જી.જે.૧ર.બી.ટી. ૯૦૭૧ અને જી.જે.૧ર.બી.ટી.૯૯૯૧ નંબરના બે ટ્રેેઈલર જેની કિંમત અનુક્રમે ૧પ અને ૧૬ લાખ વાળા ચલાવવા માટે આરોપીઓએ લીધા હતા. જેમાં ટ્રેઈલરના લોનના રૂપિયા અને વીમો એક માસની અંદર ભરવાનું જણાવ્યું હતું. પરંતુ આરોપીઓએ લોનના હપ્તા અને વીમો ન ભરીને તેમજ રૂપિયા ૩૧ લાખની કિંમતના બન્ને ટ્રેઈલરો પણ પરત ન આપીને વિશ્વાસઘાત – ઠગાઈ આચરી હતી. જેને પગલે મુંદરા પોલીસે ગુનો નોંધતા પીઆઈ એમ. આર. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.