ગાંધીધામના કીડાણા મગફળી ગોડાઉનના આગના બનાવ અંગેનો આખરી ઇન્કવાયરી અહેવાલ અને એફએસએલ રીપોર્ટ જાહેર કરાયા

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિવાસી અધિક કલેકટર એમ.કે. જોેષીએ આપેલી વિગતો

 

ગાંધીધામ : ગાંધીધામના કીડાણા મગફળી ગોડાઉનના આગના બનાવ અંગેનો આખરી ઇન્કવાયરી અહેવાલ અને એફએસએલ રીપોર્ટ જાહેર કરાયાં છે. જિલ્લા વહીવટી તંત્ર વતી નિવાસી અધિક કલેકટર એમ.કે. જોેષીએ આપેલી વિગતો અનુસાર જિલ્લાના ગાંધીધામ તાલુકાના કીડાણમાં આવેલી સંઘવી ઇન્ડસ્ટ્રીઝમાં ૨૯૦૦૦ ચો.ફૂટ ક્ષમતાના પ ગોડાઉન એકબીજાને અડીને લગોલગ આવેલા છે. જેમાં ગોડાઉન નં.૧ ખાલી છે. ગોડાઉન નં.રમાં ખાનગી કંપનીનો મસુર દાળનો જથ્થો, ગોડાઉન નં.૩માં મગફળી પ્રોકયોરમેન્ટ માટે સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન દ્વારા રૂ.૧૨,૬૫,૨૨,૦૦૦ની કિંમતની ૬૨૬૯૧ મગફળીની બોરીઓ કુલ મે. ટન ૨૨૫૬નો જથ્થો સંગ્રહવામાં આવ્યો હતો, જેનો સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશન મારફતે ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની દ્વારા વીમો લેવામાં આવ્યો હતો, જેમાં તા.૨/૧/૨૦૧૮ના સાંજે ૬ કલાકે સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના અધિકારી એન.એ.પરમાર દ્વારા ગોડાઉન નં.૩માં આગ લાગવાના ટેલિફોનિક સમાચાર પ્રાંત અધિકારી, અંજારને
આપવામાં આવતા પ્રાંત અધિકારી, ગાંધીધામ મામલતદાર તેમજ રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ
નગરપાલિકા, મીઠીરોહરના સ્થાનિક લીકવીડ ટર્મીનલના પાણીના ટેન્કર તથા ફોમ ટેન્કરના સહયોગથી ૩૦ મિનીટમાં જ આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા અને આગ કયા કારણોસર લાગી તેની અલગથી મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી પ્રાંત અધિકારી અંજારને સોંપવામાં આવી હતી. અંજારના પ્રાંત અધિકારીએ તા.૮/૧ના એફ.એસ.એલ. અધિકારી દ્વારા સળગી ગયેલી મગફળીના જથ્થા ગોડાઉનમાંથી અલગ-અલગ જગ્યાએથી સેમ્પલ લેવડાવેલા તેમજ ઇલેકટ્રીક એમ.સી.બી.તથા મેઇન સ્વીચ પૃથ્થકરણ માટે એફએસએલ રાજકોટ મોકલી આપ્યા હતા.
ટાઈટપેક ગોડાઉનના લીધે પાછળના ભાગે આવેલા વાયરમાં ઇલેકટ્રીક સ્પાર્ક થતાં અથવા મગફળીના ભીનાશ – ભેજ દબાણને કારણે હીટીંગથી આગ લાગી હોવાની શકયતા હોવાનું જણાયું હતું.
આ કામે પ્રાંત અધિકારી આખરી અહેવાલ મુજબ કબજે કરવામાં આવેલા મગફળીના સેમ્પલ તથા વીજ ઉપકરણોનો એફ.એસ.એલ. રાજકોટ ખાતેથી અહેવાલ આવી જતા અવશેષિત પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનની હાજરી જણાઈ નથી તેમજ ભૌતિક ચકાસણીનો પૃથ્થકરણ અહેવાલ મુજબ પણ બળેલા ગોડાઉનની અંદરના ઇલેકટ્રીક બોર્ડ અને તેની સાથે જોડાયેલા ઇલેકટ્રીક વાયરોમાં શોર્ટસર્કિટના કોઇ ચિન્હો જોવામાં આવ્યા નથી. આમ તપાસમાં આકસ્મિક રીતે આગ લાગી હોવાનું જણાયેલ છે અને આ બનાવમાં કોઇ ગુન્હાહિત કૃત્ય થયેલાનું તપાસ દરમિયાન જણાઇ આવેલ નથી, તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.