ગાંધીધામના કાર્ગો ઝુપડામાં ગટરના પાણી બાબતે બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું

સામ સામે લાકડી- ધોકા, પથ્થર, ધારિયા વડે બે જુથો અથડાતા ૯ લોકોને પહોંચી ઈજાઓઃ ઈજાગ્રસ્તોને રામબાગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

ગાંધીધામ : શહેરના કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં બે જુથો વચ્ચે સામસામે સશસ્ત્ર ધિંગાણું થતાં ૯ લોકોને ઈજાઓ પહોંચી હતી. સામાન્ય ગટરના પાણી વહેવાની બાબતે થયેલી બોલાચાલીએ વરવું સ્વરૂપ ધારણ કરતાં બે જુથો સામ સામે લાકડી- ધોકા, પથ્થર, ધારિયા વડે એક બીજા પર તુટી પડયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરની રામબાગ હોસ્પિટલમાં નોંધાયેલી એમએલસીને આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આપેલી વિગતો મુજબ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યાના અરસામાં બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું સર્જાયું હતું. જેમાં એક પક્ષે હુસેનબાનુ મામદ ફકીર, અંગુરી સલીમશા, સલીમશા મોહમદ, રૂબીના શેખને ઈજાઓ પહોંચી હતી. તો સામા પક્ષે ગોલા યાદવ, રામવિલાસ પાસવાન, વિરેન્દ્ર યાદવ, રણજિત યાદવ તેમજ વિલાસ યાદવને ઈજાઓ પહોંચી હતી. પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં બંને જુથો આસપાસમાં રહેતા હોવાથી ગટરના પાણી વહેવા બાબતે બંને પક્ષે બોલાચાલી થયા બાદ મામલો બિચકયો હતો. જેમાં બંને જુથો સશસ્ત્ર હથિયારો સાથે એક બીજા પર તુટી પડતાં લોહિયાળ ધિંગણું સર્જાયું હતું, જેમાં લાકડી- ધોકા, પથ્થર, ધારિયા વડે મારામારી થતાં સામસામે કુલ ૯ જણને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને રામબાગ હોસ્પિટલમાં ખસેડાતા બી ડિવિઝન પોલીસે બંને પક્ષના નિવેદનો લઈને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.