ગાંધીધામના કાર્ગોમાં ઝુંપડપટ્ટી પર બુલડોઝર ફરતા સ્થાનિકોનો વિરોધ

દિનદયાળ પોર્ટ દ્વારા પોર્ટ હસ્તકની જમીન પર દબાણ હટાવની કરાઈ કામગીરી : સ્થાનિકોએ બળાપો ઠાલવતા કહ્યું ‘અમેં જમીન થોડી લઈ જવાના છીએ, રોજી રોટી છીનવી અમને બેઘર કરી દેવાયા’

ગાંધીધામ : સામાન્ય રીતે દબાણ હટાવની કામગીરી ગરીબ કે મધ્યમ વર્ગીય વિસ્તારમાં જ થતી હોય છે.
મોટા બિલ્ડરો બિલ્ડિંગ ઊભી કરી નાખે તો પણ તેમાંથી તંત્ર ઈંટ પણ હલાવી શકતું નથી, પરંતુ જો કોઈ મધ્યમ વર્ગીય વ્યક્તિ જમીન પર પોતાનું આસિયાનું બનાવે તો તંત્રને તરત દબાણ દેખાય છે અને બુલડોઝર સાથે સ્થળ પર આવી મકાનો વેરવિખેર કરી નાખવામાં આવે છે. આવી જ ઘટના ગાંધીધામમાં બની છે. ગાંધીધામમાં આવેલા પીએસએલ કાર્ગો વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટી પર આજે બુલડોઝર ફરવામાં આવ્યું છે. દિનદયાળ પોર્ટ હસ્તકની આ જમીનો હોવાથી ડીપીટી દ્વારા બે દિવસ પૂર્વે દબાણકારોને નોટિસ અપાઈ હતી જે બાદ આજે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. ડીપીટીના જવાબદાર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડીપીટી હસ્તકની જમીનમાં અંદાજે ૪૦થી પ૦ કાચા-પાકા ઝુંપડા અને દુકાનો હટાવવામાં આવ્યા છે. કંડલા પોર્ટની જમીન પરથી દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવાઈ છે. માછીમારીની મોટી દુકાનો બનાવાઈ હતી જેને દૂર કરાઈ છે. બીજી તરફ અહીં રહેતા પરપ્રાંતિય લોકોએ બળાપો ઠાલવતા જણાવ્યું કે, અમેં જમીન થોડી લઈ જવાના છીએ, દબાણ હટાવના નામે અમારા ઝુંપડા તોડી નખાયા, રોજી રોટી છીનવી લીધી છે. હવે અમે ક્યાં જઈશું. દબાણ હટાવમાં પણ કેટલાકના મકાન તોડ્યા કેટલાકના નથી તોડ્યા, ભેદભાવભરી નીતી સામે આક્રોશ ઠાલવી બેઘર બનાવી દેવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.ડીપીટી કંડલા એસ્ટેટ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ડીપીટીની નેશનલ હાઈવે ૧૪૧ પૂર્વ બાજુએ ગાંધીધામથી કાસેઝ જતા રોડ પર કાર્ગો ઝુપડપટ્ટી પાસે દબાણ હટાવની થયેલી આ કાર્યવાહીમાં પોર્ટના કર્મચારીઓ જીવરાજ મહેશ્વરી, પુનમ ઘરવા, નૂરમામદ બુચડ, શીવજી ધનજી નારાયણ ભીખા કોલી, વિનોદ સથવારા, ગોપાલ વેલજી, ડીપીટીના ચેરીયાના સાત જેટલા ચોકીદાર સહિત જુનીયર ઈન્જીનીયર રાજેશ ઈસરાણી સહિતનાઓ જોડાયા હતા.