ગળપાદરમાં પ્રૌઢ મહિલા પડી જતા માથામાં ગંભીર ઈજાઓથી મોત

કંડલાની બાપટ બજાર રેલવે ઝુંપડપટ્ટીમાં આધેડનું શંકાસ્પદ મોત

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં પ્રૌઢ મહિલા અને એક આધેડનું મોત નિપજ્યું હતું. ગળપાદર હાઉસિંગ બોર્ડમાં રહેતી પ૦ વર્ષિય મહિલા પડી જતા માથામાં ઈજાઓ થવાને કારણે મોત નિપજ્યું હતું, જ્યારે કંડલાની બાપટ રેલવે ઝુપડપટ્ટીમાં રહેતા આધેડનું પોતાના ઘેર શંકાસ્પદ મોત થયું હતું. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગળપાદરના હાઉસિંગ બોર્ડમાં રહેતા પ૦ વર્ષિય શાંતાબેન પોપટભાઈ કોલી પોતાના ઘેર બાથરૂમમાં નાહીને બહાર નીકળતા પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હતભાગીને સારવાર માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ કે.એન. જેઠવાએ આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ કંડલામાં બાપટ બજાર, રેલવે ઝુંપડપટ્ટીમાં રહેતા ૪૭ વર્ષિય આદમ અલી ચૌહાણનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. મુળ જામનગરના અને હાલ બાપટ બજારમાં રહેતા આધેડનું તેના મિત્ર ભુરાભાઈના ઘરે અચાનક શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. બનાવ અંગે અસગર ચૌહાણે કંડલા પોલસ મથકને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને અકસ્માત મોતનો બનાવ દર્જ કરતા પીઆઈ એ.જી.સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.