ગળપાદરમાં આવેલા જગન્નાથજીના મંદિરે સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા

કોરોનાના કારણે આ વર્ષે શહેરમાં રથયાત્રા પરિભ્રમણ નહીં કરે, પરંતુ મંદિરની આસપાસ ભગવાન નગરચર્યાએ નીકળશે

ગાંધીધામ : આજે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ સાથે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે. કોરોનાના કારણે સરકારે શરતોને આધીન રથયાત્રા યોજવા મંજૂરી આપી છે. રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. ત્યાં પણ કર્ફ્યુની અમલવારી સાથે જગતનો નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ગાંધીધામમાં ગળપાદર ખાતે ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. જ્યાં આજે વહેલી સવારથી પૂજા-અર્ચના શરૂ કરી દેવાઈ હતી. ભક્તો પણ ભગવાન જગન્નાથના દર્શન કરી ભાવવીભોર બન્યા હતા.
દર વર્ષની પરંપરા રહી છે કે, અષાઢી બીજના નીજ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી લોકોને આશીર્વાદ આપતા હોય છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે રથયાત્રાના આયોજનો મુલતવી રખાયા છે, પરંતુ શ્રદ્ધા અને આધ્યાત્મિક માહોલ આજે પણ અકબંધ રહેવા પામ્યો છે. ગાંધીધામમાં ગળપાદર ખાતે આવેલા જગન્નાથજીના મંદિર ખાતે દર વર્ષની આ વર્ષે ભગવાન રથમાં તો બેસશે અને પરિભ્રમણ કરશે, પરંતુ મંદિરની આસપાસ જ રથયાત્રા યોજવામાં આવશે. દર વર્ષની જેમ રથયાત્રા ગાંધીધામ આવશે નહીં. આ વેળાએ ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, એ-ડિવિઝન પીઆઈ ઝાલા સહિતનાઓ દ્વારા બંદોબસ્તની જવાબદારી સંભાળવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય ધનજીભાઈ હુંબલ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, મહામંત્રી નરેશભાઈ ગુરબાની, મહેન્દ્રભાઈ જુણેજા, બબીતાબેન અગ્રવાલ, તુલસીભા ગઢવી, ક્રિષ્ના રાવ, મંદિરના પ્રકાશભાઈ સહિતના ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.