ગરમીના માહોલ વચ્ચે ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદ

ભચાઉ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભચાઉ શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતોે, તેમાં સામખિયાળી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. તાલુકામાં ગામે-ગામ વરસાદ થતા ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઈ હતી.  વાગડના મુખ્ય શહેર ભચાઉ તેમજ આસપાસના વિસ્તારોમાં બપોર બાદ કમોસમી છાંટા પડવાની શરૂઆત થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જાે કે, બાદમાં ઉકળાટનો અનુભવ થયો હતો. હજુ તો ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે ત્યારે વરસાદના મંડાણ થયા છે. જાે કે, આ વરસાદ અંગે હવામાન વિભાગ તરફથી પણ કોઈ પ્રકારની આગાહી કરાઈ ન હતી. એકાએક વરસી પડેલા છાંટારૂપી વરસાદે થોડીવાર માટે ભચાઉ શહેરને ભીંજાવ્યું હતું, તો તાલુકાના કડોલ ગામે વરસાદનું ઝાપટું વરસ્યું હતું. જાેશભેર વરસાદ વરસતા શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. ભર ઉનાળે વરસેલા કમોસમી ઝાપટાથી બાળકોમાં આનંદ તો ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. દરમ્યાન સામખિયાળી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતા. ગામમાં કરા સાથે વરસાદ પડતા લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. સામખિયાળી ગામે કરા પડ્યાની ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો જંગી, ગોડપર, મોડપર, લખધીરગઢ, લાખાપર સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ તરફ રાપર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.