ગઢશીશા ગ્રામ પંચાયત દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા હાથ ધરાયેલ કવાયત

દબાણકારોને તબક્કાવાર સ્વેચ્છાએ દબાણો હટાવવા પાઠવાઈ રહેલ નોટીસો : વર્ષોથી કાચા દબાણ કરી પેટીયુ રળતા શ્રમજીવીઓને અન્યાય ન થાય તે માટે શ્રમજીવીઓ દ્વારા ગ્રા.પં.ને કરાયેલ રજૂઆત

ગઢશીશા : ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસકામોની વણથંભી વણઝારનો પ્રારંભ થવાની સાથે બસ સ્ટેશન વિસ્તારમાં દાતાના સહયોગ ગ્રા.પં. દ્વારા નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. તો ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ કાર્ય તેમજ સીએચસી કેન્દ્રનું બાંધકામ કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વધી રહેલા દબાણ ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે. જેથી ગ્રા.પં. દ્વારા આવા દબાણો દૂર કરવા જણાવાયું છે. આમ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આવા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે જવાબદાર તંત્રોને સાથે રાખી ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરાશે તેવું ગામના સરપંચ ભાઈલાલ માધવજી છાભૈયાએ જણાવ્યું હતું.
વધુમાં સ્ટેશન વિસ્તારમાં કાચા દબાણો કરી પેટીયું રળતા શ્રમજીવીઓ દ્વારા શ્રમજીવીઓને થોડોક સમય રાહત આપવા તેમજ અન્યાયના થાય તે માટે શ્રમજીવીઓ દ્વારા રજૂઆત કરાઈ છે. સરપંચ ભાઈલાલ છાભૈયાએ દબાણો દૂર કરી અહી શાંખી સેન્ટરના નિર્માણનું આયોજન કરાયાનું અને શ્રમજીવી આયોજન કરાયાનું જણાવ્યું હતું. નોટીસોને પગલે અમુક શ્રમજીવીઓ પોતાના દબાણો હટાવી અન્યત્ર ગોઠવાઈ રહ્યાનું જાણવા મળ્યું હતું.