ગઢશીશામાં સીએચસીના કામમાં અવરોધ દૂર કરાતા કામ પુનઃ શરૂ

ગઢશીશા :  ગઢશીશામાં વણથંભી વિકાસ યાત્રા શરૂ રહેવાની સાથે રૂપિયા ત્રણ કરોડ ચોપન લાખના ખર્ચે નિર્માણ પામનાર સીએચસીના મકાન બાંધકામનો ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના વરદ હસ્તે તા. રર-૬-ર૦૧૭ના વિધિવત શુભારંભ કરાયો હતો. પરંતુ સરકારી જમીન પર અસામાજીક તતવો દબાણ કરી દેતા કામમાં રૂકાવટ ઉભી થઈ હતી.
ગઢશીશા સીએચસીના બાંધકામનો કોન્ટ્રાકટ ભુજની જીલ કન્સ્ટ્રકશન નામની એજન્સી આપવામાં આવેલ છે. પ્રારંભમાં સરકારી મંજૂર થયેલ જમીન પર એજન્સી દ્વારા ફુટીંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં બાજુની સરકારી પડતર જમીન પર રસ્તાનુ કામ ચાલુ હતું. જયાં માથાભારે તતવો દ્વારા સરકારી જમીન પર કબજા કરી દરવાજા નાખી, તાળું મારી દેવાતાં સરકારી કામ અવરોધાયું હતું. આ બાબતે કોન્ટ્રાકટરે આરોગ્ય વિભાગ બાંધકામ શાખાને તેમજ ગામના સરપંચ ભાઈલાલ માધવજી છાભૈયાને લેખિત જાણ કરાતા દબાણકર્તાઓને સરકારી જમીન પરથી દબાણ ખસેડી લેવા નોટીસ અપાઈ હતી. આમ છતાં દબાણ કર્તાઓએ દબાણ નહીં હટાવાતા ગઢશીશા ગ્રા.પં. દ્વારા જિલ્લા પોલીસવડા સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રોને લેખિતમાં જાણ કરતા મોવડી મામલતદાર એસ. કે. ડાભીએ હાજર રહી દબાણનું સર્વે કરી દબાણ કાઢી નાખવા આદેશ કરાતા જેસીબી દ્વારા દબાણ દૂર કરી સરકારી કામ પુનઃ શરૂ કરાયું હતું.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાની રીઝર્વ પોલીસ આર.આર.સેલના પીએસઆઈ એ. આર. ઝાલા, સીપીઆઈ શ્રી ઝલુ, ગઢશીશા પીએસઆઈ એન. જી. વાઘેલા સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં તૈનાત રખાયો હતો. આ પ્રસંગે સરપંચ ભાઈલાલ છાભૈયા સાથે રેવન્યુ સર્કલ ઈન્સ્પેકટર શ્રી ઝાલા, તલાટી મંત્રી મોરારભાઈ ડાભી, સદસ્યશ્રીઓ હરેશ રંગાણી, મહેન્દ્ર સેંઘાણી, ઉમેશભાઈ ઉમરાણીયા તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.