ગઢશીશામાં વિકાસને વેગ આપવા મુંદરા- માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો કોલ

જવલંત વિજય બાદ આભાર દર્શન માટે પધારેલા વિરેન્દ્રસિંહ જાડેજાનું વિવિધ સમાજા દ્વારા કરાયેલ સન્માન

ગઢશીશા : કચ્છમાં વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાવાની સાથે કચ્છીજનોમાં ખુશીનું મોજુ ફરી વળવાની સાથે ભાજપના વિજેતા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર માન્યો હતો. મુંદરા- માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાનો જંગી બહુમતીથી વિજય થતાં મતદાતાઓનો આભાર માનવાની સાથે પ્રથમ આભાર દર્શન માટે ગઢશીશા પહોંચ્યા હતા. જયાં ગઢશીશા વિસ્તારના ભાજપ અગ્રણીઓ વિવિધ સમાજાના અગ્રણીઓએ સન્માનિત કર્યા હતા.
માંડવી- મુંદરા વિસ્તારના વિજેતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં વિકાસની ગાડીને વેગ આપવા કોલ આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ક્ષત્રિય સમાજ દ્વારા કચ્છી પાઘ પહેરાવી સન્માન કરાયું હતું. તો પાટીદાર સમાજના અગ્રણીઓ, દલિત સમાજ, બ્રહ્મસમાજ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પણ શાલ ઓઢાળી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, ગામના સરપંચ સહિતના સદ્દસ્યો અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી.