ખેડોઈ નજીક પુલના ચાલતા કામ પાસે ડાયવર્ટ કરાયેલા રોડની બિસ્માર હાલત

અકસ્માતો સર્જાવાની ભીતિ, વાહન ચાલકોને થતી વ્યાપક નુકસાનીઃ ડાયવર્ટ રોડમાં વચ્ચે ટેકરાના કારણે વાહનોને નુકસાન

અંજાર : મુંદરાથી અંજાર આવતા માર્ગ પર ખેડોઈ નજીક પુલનું કામ ચાલી રહ્યું છે. ઘણા લાંબા સમયથી ચાલતા આ કામને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ડાયવર્ટ કરાયેલા માર્ગની હાલત બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોની ગાડીઓમાં ભારે નુકસાની થઈ રહી છે. તો અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાય છે.આ અંગેની વિગતો મુજબ અંજારના ખેડોઈ નજીક પુલના ચાલતા કામ દરમિયાન ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ડાયવર્ટ કરાયેલા રોડ પર ચાલતા વાહનોના કારણે વચ્ચે રોડ ઉપસી આવ્યો છે. આજુબાજુમાં રોડ બેસી જતા ફોર વ્હીલર વાહનો માર્ગના ઢેબામાં અથડાતા નુકસાની પહોંચી રહી છે. મુંદરાના અરવિંદભાઈ સોની મુંદરાથી અંજાર જતા હતા. ત્યારે તેમની ગાડી માર્ગના ઢેબામાં ટકરાતા ઓઈલ ચેમ્બર અને પ્લેટર તુટી ગયા હતા. પરિણામે તેઓને નુકસાની થઈ હતી. પુલના ચાલતા કામને કારણે આ માર્ગ પર ટ્રાફીકની સમસ્યા પણ રહે છે. ડાયવર્ટ કરાયેલા માર્ગ પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત અન્ય નાના વાહનોને માર્ગની બિસ્માર હાલતને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા માર્ગ સુધારણા કરાય તેવી માંગ ઉઠી છે.