ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દે આજે વિ.રૂ. કેબીનેટમાં મંથન

ગાંધીનગર : રાજ્યમંત્રી મંડળની આજે સાંજે મળનારી બેઠકમાં ખેડૂતોના દેવા માફી તેમજ હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈ રાજ્ય સરકાર કોઈ મહત્વના નિર્ણયો લઈ જાહેરાત કરે તેવી શક્યતા છે.રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન કરી રહેલ પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧ર દિવસથી અમદાવાદમાં ખેડુતોના દેવા માફ કરવા પાટીદારોને અનામત આપવા સહિતના મુદ્દાઓને લઈને આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.હાર્દિક પટેલને દેશભરમાંથી વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે પાસ કન્વીનર મનોજ પનારાએ રાજ્ય સરકારને હાર્દિક પટેલ સાથે વાટાઘાટો કરવા ર૪ કલાકનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો સરકાર વાટાઘાટો કરવા તૈયાર ન થાય તો ર૪ કલાક બાદ હાર્દિક પટેલ જળ ત્યાગ કરશે તેવી જાહેરાત કરી છે.
પાસ દ્વારા આપવામાં આવેલ અલ્ટીમેટમ ને પગલે આજે સાંજે મળનારી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ખેડુતોના દેવા માફી તેમજ પાસની અન્ય માંગણીઓને લઈને ચર્ચા કરીને કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહિ તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.રાજ્ય સરકાર દ્વારા અગાઉ બીન અનામત વર્ગના લોકો માટે એક આયોગની રચના કરવામાં આવી છે તેમજ વિવિધ યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી હોઈ અનામત અંગે સરકાર ફરી પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.