ખાવડા સા.આ. કેન્દ્રના ડ્રાઈવરનો પગાર અટકાવી અપાતો માનસિક ત્રાસ

ભુજ : તાલુકાના ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરનો પગાર ઈન્ચાર્જ અધિક્ષક દ્વારા અટકાવી માનસિક ત્રાસ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
સા.આ. કેન્દ્રના ડ્રાઈવર યુ.વી. ત્રિવેદીએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, તેઓ અહીં પાછલા છ વર્ષથી ફરજ બજાવે છે તેમ છતાં અંગત રાગદ્રેષ રાખી ફરજ પર ર૪ કલાક હાજર હોવા છતાં તેમજ માસ્ટરમાં સહી કરેલ હોવા છતાં હાજરી પત્રકમાં છેડછાડ કરી ગેરહાજર દર્શાવી દેવામાં આવેલ. ઉપરાંત જાન્યુઆરી ર૦૧૮નો પગાર પણ અટકાવી દેવામાં આવેલ તેમજ માનસિક ત્રાસ આપવાની પ્રવૃત્તિ ડૉ. નુપુરકુમારી પ્રસાદ અને ડૉ. મનદજી પ્રસાદ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી જો જાન્યુઆરી ર૦૧૮નો પગાર ચૂકવવામાં નહીં આવે તો ૧૦ દિવસ બાદ ભૂખ હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પંકજકુમાર પાંડેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, હજુ આ સંદર્ભે તેઓ સમક્ષ કોઈ રજૂઆત આવેલ નથી તેમ છતાં તપાસ કરાવી યોગ્ય કરવાની વાત ઉચ્ચારી હતી.