ખાવડા-બન્ની-પચ્છમમાં વધતું કોરોના સંક્રમણ

દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો પરંતુ તંત્રના મતે સબ સલામત : કોરોનાના કારણે કેટલાક લોકો મોતના મુખમાં પણ ધકેલાયા

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર કચ્છ માટે ઘાતક સાબીત થઈ છે. શહેરોની સાથોસાથ ગ્રામીણ પંથકમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોઈ દર્દીઓની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. મહિનાઓ સુધી કોરોનાના સંક્રમણથી અછૂત રહેલા ખાવડા, બન્ની, પચ્છમમાં પણ કોરોનાએ દસ્તક દઈ દીધી હોઈ આ વિસ્તારમાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.આ અંગેની વિગતો મુજબ ખાવડા તેમજ બન્ની, પચ્છમમાં કોરોનાનું સંક્રમણ પ્રવેશી ચુકયું છે. આ વિસ્તારના લોકો સંક્રમીત બની રહ્યા હોઈ સરકારી, ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. ખાવડામાં આવેલા ખાનગી દવાખાનાઓમાં દવા લઈ દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા હોઈ સ્થિતિની ગંભીરતા ન સમજવાથી કેટલાક લોકોને કોરોના ભરખી પણ ગયો છે.ખાવડામાં સંક્રમણ ફેલાયું હોઈ સ્વૈચ્છિક લોકડાઉન કરવા પણ વિચારણા કરાઈ હતી. જો કે સહમતી ન થતા વિચાર પડતો મુકાયો હતો. આ પંથકમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં તંત્ર સબ સલામતીની વાત જ કહી રહ્યું છે.