ખાવડા પંથકના તુગામાં બે જુથો વચ્ચે પથ્થરમારા સાથે ધીંગાણું

ખાવડા પોલીસ મથકે ૧૪ શખ્સો વિરૂદ્ધ સામ સામે નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના ખાવડા પંથકમાં આવેલા તુગા ગામમાં બે જુથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. સામાન્ય બાબતે બે જુથો સામ સામે આવી ગયા હતા અને પથ્થરોના છુટા ઘા કરી એક બીજાને ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ખાવડા પોલીસ મથકે ૧૪ શખ્સો વિરૂદ્ધ સામ સામે ગુનો નોંધાયો હતો.ખાવડા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ સોયબ ઈબ્રાહીમ સમાએ આરોપી અબ્દ્રીમ અલીમામદ સમા, હમીદ સુલેમાન સમા, સોયબ ઓસમાણ સમા, ભચા ઓસમાણ સમા, નુરમામદ મુસા સમા, અલારખ્ખા ઓસમાણ સમા, ભારમલ ભચા સમા વિરૂદ્ધ ગુનો નોધાવ્યો હતો. આરોપી અબ્દ્રીમ અને હમીદે ફરિયાદી અને સાહેદના વરંડાની દિવાલ પાસે આવીને કહ્યું હતું કે, તમને સતવણી વાસ વાળા રસ્તા પરથી આવવા – જવાની ના પાડી છે તેમ છતાં તમે લોકો આ રસ્તા પરથી કેમ નિકળો છો ? તેવું કહેતા બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરી ફરિયાદી તેમજ સાહેદોને ઈજા પહોંચાડી હતી, તેમજ મકાનના નળિયા પર પથ્થરમારો કરીને નુકશાન પહોંચાડયું હતું. જ્યારે સામા પક્ષે ભારમલ ભચા સમાએ સોયબ ઈબ્રાહીમ સમા, શકુર લખમીર સમા, રસીદ સાધક સમા, મનસિંગ હારૂન સમા, ઓસમાણ જીયા સમા, સીધીક અમીન સમા, ઈશાક મીસરી સમા વિરૂદ્ધ પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. તેમાં પણ સતામણી વાસ વાળા રસ્તા પર આવવા જવા બાબતે બોલાચાલી અંગે આરોપીઓએ છુટા પથ્થરોનો ઘા કરી ફરિયાદી અને સાહેદોને ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે ખાવડા પોલીસે સામ સામે ગુનો નોંધતા ખાવડા પીએસઆઈ જે. પી. સોઢાએ આગળની તપાસ હાથ ધરી છે.