ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીઃ કોરોનામાં મુશ્કેલીમાં મુકાયેલા વાલીઓને લૂંટવાનો ધંધો અવિરત

  • પ્રથમ ક્વાર્ટર હજુ માંડ પૂર્ણ થયું છે ત્યાં જ બીજા કર્વાટરની ફી માટે દબાણ

‘ફી ભરો નહિતર પ્રવેશ રદ્‌ કરવો છે તેમ માની લઈશું’ ખાનગી સંચાલકોની નવી દાદાગીરી

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનામાં વાલીઓના ધંધા રોજગાર પડી ભાગ્યાં હોવા છતાં સ્કૂલ ફીમાં રાહત અપાવવામાં રાજ્ય સરકાર મગનુ નામ મરી પાડતી નથી. સરકારના ભેદી મૌન વચ્ચે ખાનગી સ્કૂલના સંચાલકોએ વાલીઓને ફીના નામે લુંટવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ ક્વાર્ટર હજુ માંડ પૂર્ણ થયું છે ત્યાં જ બીજા કર્વાટરની ફી માટે મોટાભાગની ખાનગી સ્કૂલોએ વાલીઓ પાસેથી ફી વસુલવાનો પણ પ્રારંભ કરી દીધો હોવાનું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે. બીજા ક્વાર્ટરની ફી વસુલવા માટે સંચાલકો વાલીઓને એવી ધમકી આપી રહ્યાં છે કે, જો ફી ભરવામાં નહી આવે તો અમે એવુ સમજીશુ કે તમે તમારા બાળકને અમારી સ્કૂલમાં ભણાવવા માગતાં નથી. જોકે સંચાલકોની આવી ધમકીથી વાલીઓ ફી ભરવા માટે મજબુર બની રહ્યાં છે.આ અંગેની વિગતો મુજબ ફી નિર્ધારણ કાયદો અમલમાં આવ્યો ત્યારથી ખાનગી સ્કૂલ સંચાલકો ફી વસુલીમાં પોતોની મનમાની ચલાવી રહ્યાં છે. વાલીઓ ગમે તેટલી રજૂઆત કરે કે ફરિયાદ કરે પણ નિર્ણયો હંમેશા સંચાલકોને ધ્યાનમાં રાખીને જ લેવાતો હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરાયાં છે. ગત વર્ષે કોરોનામાં ખાનગી સ્કૂલોની ફીમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા ઉગ્ર માગ થઈ હતી. પરંતુ આખરે સંચાલકોએ મનનું ધાર્યુ કરાવી માત્ર ૨૫ ટકા રાહતનો જ નિર્ણય કરાવ્યો હતો. જોકે આ વર્ષે દોઢ વર્ષ સુધી સ્કૂલો બંધ રહી છે. સ્કૂલોના મોટાભાગના ખર્ચ ઓછા થઈ ગયાં છે. અનેક સ્કૂલોએ શિક્ષકો સહિતના સ્ટાફના પગાર પણ કાપી નાખ્યાં હતા. આ સંજોગોમાં ૫૦ ટકા સુધીની રાહત આપવાની સરકાર સમક્ષ અનેક રજૂઆતો થઈ હતી. જેના સંદર્ભે રાજ્ય સરકારે વાલીઓને ફી રાહતની માત્ર મૌખીક જાહેરાત કરી વાલીઓને કોણીએ ગોળ ચોંટાડી દીધો છે. કારણ કે, લેખીત પરિપત્ર અને કાયદાના નિયમોની ઐસીતૈસી કરતાં શાળા સંચાલકોએ સરકારની મૌખીક જાહેરાતને અનુસરે એ વાત શક્ય જ નથી અને એવુ જ થયુ. ફીની રાહત માગતાં વાલીઓને સંચાલકોએ સ્પષ્ટ જણાવી દીધુ છે કે, અમને કોઈ લેખીત સુચના મળી જ નથી. લેખીત પરિપત્ર અમને મળશે ત્યારે અમે રાહત આપીશું અત્યારે અમે જે કહીશું તેટલી જ ફી તમારે ભરવી પડશે. આમ ચાલુ વર્ષની પ્રથમ ક્વાર્ટની તો ફી મોટાભાગની સ્કૂલોએ વસુલી લીધી છે અને હવે બીજા ક્વાર્ટરની ફી વસુલવાનો પણ પ્રારંભ કરી દીધો હોવાનું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ફી નિર્ધારણ કમિટિ દ્વારા વર્ષ-૨૦૧૭માં ખાનગી સ્કૂલોની જે ફી નિયત કરી હતી તેને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. જેથી નવા ત્રણ વર્ષ માટે ફી નિયત કરવાની કાર્યવાહી એફઆરસી દ્વારા હાથ ધરાશે. ગત વર્ષે કોરોનાના કારણે નવી ફી નિયત થઈ નહોતી. પરંતુ ચાલુ વર્ષે શૈક્ષણિક સત્રો શરૂ થઈ ગયાં હોવા છતાં હજુ કચ્છ જિલ્લાની એકપણ ખાનગી સ્કૂલની ફી નિયત થઈ શકી નથી. એફઆરસી ફી નિયત કરે એ પહેલા સંપૂર્ણ ફી વસુલી લેવાની સંચાલકો દ્વારા કારસો ઘડાયો છે. શિક્ષણ નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે, ખરેખર સત્ર શરૂ થયા પહેલા સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ જેથી વિદ્યાર્થી પ્રવેશ લે એ વખતે જ તેને સ્કૂલની એફઆરસીએ નિયત કરેલી ફી ખબર હોય. પરંતુ આ તો વર્ષ આખુ પુરૂ થાય ત્યારે ફી નિયત કરવામાં આવે છે. બીજી તરફ સંચાલકોએ ઈચ્છા મુજબની ફી વસુલી લીધી હોય. દર વર્ષે એવી જાહેરાત કરવામાં આવે છે કે, વધારાની ફી મજરે આપવી પડશે. પરંતુ શિક્ષણ વિભાગ અને ફી નિર્ધારણ સમીતિઓના અણઘડ આયોજનના કારણે ૨૦૧૭માં વાલીઓ અને સંચાલકો વર્ષે જે ઘર્ષણ થયુ હતુ તે ફરી ૨૦૨૧માં પણ રિપીટ થશે તેવુ વાલી મંડળોના સભ્યો જણાવી રહ્યાં છે.