ખાનગી શાળાઓની મનમાની સામે સંગઠિત બનવા આહ્‌વાન

ભુજ : કોરોના કાળમાં શાળાઓ બંધ રહી હોવા છતાં ખાનગી શાળાઓ તરફથી બાળકો અને વાલીઓ પર ફી ભરવાની ફરજ પાડવામાં આવતાં ભુજના સામાજિક કાર્યકરે આવા વાલીઓને સંગઠિત થવા આહ્‌વાન કર્યું છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા લાંબા સમયથી લોકડાઉન, મીની લોકડાઉન અને સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી ગાઈડલાઈન મુજબ સરકારી અને ખાનગી શાળાઓ મોટા ભાગે બંધ રાખવામાં આવી હતી. પરિણામે ઓનલાઈન શિક્ષણ માટે સરકારે અનેકવિધ પ્રકારના પ્રયાસો કર્યા, પરંતુ તેના જાેઈએ તેવા પરિણામો મળ્યા નહીં અને છેવટે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન દ્વારા પાસ કરવાની ફરજ પડી એ સમજી શકાય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી, પરંતુ બીજી તરફ ખાનગી શાળાઓની ફીની ઉઘરાણીએ ખૂબ જ વિવાદ જગાવ્યો છે. મસ મોટી ફી ભરવા માટે વાલીઓ પર અનેક પ્રકારે દબાણ કરવામાં આવ્યું જેના પરિણામે વાલીઓ, બાળકો અને ઘર પરિવારોમાં માનસિક તાણ વધવા લાગી અને કંકાસ પણ વધવા લાગ્યો તેમ છતાં ખાનગી શાળાના સંચાલકોને કંઈ જ ફરક પડ્યો નહીં અને અનેકવિધ રીતે ઉઘરાણા ચાલુ જ રહ્યા. ઉપરોક્ત તમામ પરિસ્થિતિ સામે કોઈ પણ સંગઠિત અવાજ ઉપાડવામાં આવ્યો નહીં તેથી એકલ દોકલ આવેદનપત્ર આપીને સંતોષ માનવો પડ્યો. કારણ કે, શિક્ષણ શ્રેત્રે કોઈ પણ જાહેર સમર્થનમાં કોઇ સહકાર મળી શકે તેમ નથી. ટુંકમાં અહીં પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહી. ખાસ કરીને ખાનગી શાળાઓ માટે સવાલો ઉભા થાય છે કે ભણતર નહીં તો ફી શા માટે ? જાે બાળકો શાળાએ નથી આવતાં તો કોમ્પ્યુટર ફી કે ટ્રાન્સપોર્ટેશન ફી શા માટે, ભણતર નહીં તો શાળા વિકાસ નિધિ શા માટે ? આ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આવી ખાનગી શાળાઓ ‘અમારે પણ શિક્ષકોને પગાર આપવો પડે છે’ એમ કહી ફી ભરવા માટેના દબાણને વ્યાજબી ઠેરવે છે. જયારે જાણવા મળતી માહિતી મુજબ કેટલીય ખાનગી શાળાઓ દ્વારા શિક્ષકોને છુટા કરી દેવામાં આવેલ છે. આવા તમામ સવાલોનાં જવાબ પીડિત વાલીઓને સાથે રાખીને મેળવવા માટે આગામી દિવસોમાં લોક લડત શરૂ કરવામાં આવશે. જે માટે તમામ પીડિત વાલીઓ પાસેથી સહકારની અપીલ કરવામાં આવી છે. જાે તમે પણ ખાનગી શાળાઓની ઉગરામણીથી પરેશાન છો તો આ માટે સામાજિક કાર્યકર મહમદ લાખાનો ૯૦૯૯૯ ૨૬૯૫૧, ૮૧૨૮૧ ૨૬૯૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.