ખાદી ખરીદનારાઓને વળતરની સમય મર્યાદામાં ૬૦ દિવસનો કાપ મૂકી દેવાયો

  • ગાંધી જયંતિની જોરશોરથી ઉજવણીના સરકારના નારા વચ્ચે

કચ્છ સહિત રાજ્યમાં અગાઉની જેમ ૯૦ દિવસના બદલે હવે માત્ર ૩૦ દિવસ સુધી જ ખાદીમાં વળતર મળશે : ગત કોરોના સમયે ભંડારો બંધ રહેવાથી ખાદીના સ્ટોકનો આ વર્ષ વધુ વળતરથી નિકાલ થવાથી નવી રોજગારી મળશેની શ્રમિકોની આશા પર પાણી ફરી વળ્યું

(બ્યુરો દ્વારા)ભુજ : આઝાદી કા અમૃત મહોત્સવની સાથોસાથ ગાંધી જયંતિની જોરશોરથી ઉજવણીના સરકારના નારા વચ્ચે ગાંધીજીને પ્રિય ખાદી ખરીદનારાઓને વળતરની સમયમર્યાદામાં ૬૦ દિવસનો કાપ મૂકી દેવાયો છે. અગાઉ દર વર્ષ ગાંધી જયંતિથી એટલે કે ઓકટો, નવે. અને ડિસે. એમ ત્રણ માસ (૯૦) દિવસ સુધી ખાદીની ખરીદી કરનારને ર૦થી ૩૦ ટકા સુધી વળતરનો લાભ અપાતો હતો. પરંતુ આ વર્ષ ખાદી બોર્ડ દ્વારા ઉટપટાંગ નિર્ણય લઇને વળતરના સમયગાળામાં ઘટાડો કરી દીધો છે. આમેય પણ ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ગુજરાતમાં માત્ર ર ઓકટોબર એટલે કે, ગાંધી જયંતિએ જ ખાદી ખરીદવાનો લોક પ્રતિનિધિઓમાં ટ્રેન્ડ જોવા મળતો હોય છે. ખાદી ભંડારોમાં રાજકીય નેતાઓ તેમજ કાર્યકરો ખાદી ખરીદી, ફોટા પડાવી વાહવાહી મેળવતા હોય છે, પરંતુ ખાદી કામ સાથે સંકળાયેલા લોકોનું જીવન ધોરણ ઉચું આવે, રોજગારીનું પ્રમાણ વધે, ખાદીના વેંચાણને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરવાની કોઈ જ નક્કર કામગીરી કરાતી નથી ત્યારે હવે તો વળતરની સમય મર્યાદામાં બે માસનો ઘટાડો કરી દેવાતા ખાદીકામ સાથે જોડાયેલા વંચિતોની રોજગારીને સીધી અસર પડશેની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજયભરમાં ખાદી ઉત્પાદન અને વેચાણ સાથે ૧પ૧ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી રહી છે. આ સંસ્થાઓના ફેડરેશન ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંઘ મારફતે રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે ખાદીનું વેચાણ કરતા ભંડારો બંધ રહ્યા છે.જેથી અનેક ગરીબ કામદારોની રોજીરોટીને વિપરીત અસર પડી છે. ઉપરાંત રાજયની ખાદી સંસ્થાઓ પાસે ૧પ૦ કરોડ ઉપરાંતનો ખાદીનો સ્ટોક પડયો છે. જેની ખાદી પરના વળતરમાં વધારો કરવા સાથે વળતરની સમયમર્યાદામાં પણ વધારો કરાય તો ખાદીના સ્ટોકનો નિકાલ થઇ શકે. પરંતુ રાજય સરકારના ખાદી બોર્ડ દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને જ લેવામાં ન આવી હોય તેમ રાજય સરકાર દ્વારા પરિપત્ર જારી કરાયો છે. જેમાં અગાઉ ખાદી ભંડારોમાં ૩૦થી ૪૦ ટકાનું વળતર આપવામાં આવતું હતું. વળતરનો સમયગાળો પણ ૯૦ દિવસનો રાખવામાં આવતો હતો. પરંતુ આ વર્ષ માત્ર એક મહિના સુધી જ ર૦ ટકા વળતર આપવાનું જાહેર કરાયું છે.સરકારના આ નિર્ણયના કારણે કોરોના કાળમાં રોજગારીથી વંચિત રહેલાઓને વધુ એક પરેશાનીભરી સ્થિતિ ભોગવવાનો સમય આવ્યો છે. કારણ કે વળતરની સમયમર્યાદા ઘટવાના કારણે સીધી અસર વેચાણ પર થશે. ઉપરાંત વળતરમાં પણ ઘટાડો કરવાના કારણે ખાદી ખરીદી તરફ વળેલા પૈકી કેટલાક લોકો અન્ય કાપડ તરફ વળશેની પણ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. ખાદી વણાટ એ ગાંધી વિચારનું કામ છે. જેની સાથે હજારો ગરીબ પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. પરંતુ સરકારી બાબુઓની આયોજન વિનાની નીતિઓના કારણે વંચિતોની રોજગારી છીનવાઇ રહ્યાની અનુભૂતિ થઇ રહી છે.