ખાદીના માધ્યમથી મહિલાઓ અને કારીગરોને વધુ રોજગારી પ્રાપ્ત થશે : ગિરિરાજસિંહ

કેન્દ્રીય કુટિર ઉદ્યોગ રાજયમંત્રીના હસ્તે ભુજપુરમાં ખાદી ગ્રામોદ્યોગના વર્કશેડનું કરાયું ઉદ્દઘાટન

 

મુન્દ્રા : દેશમાં ખાદીના માધ્યમથી વધુમાં વધુ ગામડાંમાં ખાદીના માધ્યમથી મહિલાઓ સહિત કારીગરોને રૂ. ૬ હજારથી ૨૦ હજાર વચ્ચેની રોજગારી પ્રાપ્ત થાય તેવું આયોજન કરાયું હોવાનું આજે ભુજપુર ખાતે ભીમાણી ખાદી ગ્રામોદ્યોગ સંઘ,  ભુજપુર પ્રાયોજિત કેઆરડીપી યોજના અંતર્ગત વર્કશેડના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોના કેન્દ્રીય રાજયમંત્રી શ્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. કેન્દ્રીય રાજયમંત્રીશ્રી ગિરિરાજસિંહે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે, ખાદીના માધ્યમથી ઘર-ઘરમાં રોજગારી મળે. તે માટે તેમણે ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન ગામડાંની મહિલાઓ અને કારીગરોને ખાદી ગ્રામોદ્યોગની યોજનાના માધ્યમ સાંકળી લેવા નકકી કરાયું હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીયમંત્રીશ્રી ગિરિરાજસિંહે આર્થિક ક્ષેત્રે પણ ભારત આગળ વધી રહયું છે, તેમ જણાવી તેમણે ગાંધીજીના સપનાઓને સાકાર કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કુટિર ઉદ્યોગની યોજના બનાવવામાં આવી રહી છે. તેમ વધુમાં જણાવ્યું હતું. તેમણે આ તકે યુરિયા, ડીએપી,એસએસપીનો ખાતરનો વિકલ્પ બનાવાઇ રહયાનું જણાવ્યું હતું. આ તકે તેમણે ગાય બચશે તો કિસાન બચશે, કિસાન બચશે તો ખેતર બચશે અને ખેતર બચશે તો દેશ બચશે, તેમ જણાવી રાસાયણિક ખાતરનો ઉપયોગથી પંજાબને ખેતીમાં થયેલા ગંભીર નુકશાનની હકિકત જણાવી હતી.આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી અને માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાએ ખાદી કમિશન દ્વારા કેઆરડીપી યોજના અંતર્ગત સીએફસી વર્કશેડના માધ્યમથી નાના કારીગરો રોજગારી પ્રાપ્ત કરી શકે, સિલાઇ કામ, બ્લોક પ્રિન્ટનું કામ દ્વારા રોજગારી આપવાનો ખાદી ગ્રામોદ્યોગનો પ્રકલ્પનો શરૂ થવા બદલ ગૌરવની લાગણી વ્યકત કરી હતી. શ્રી છેડાએ ભુજપુર મધ્યે ૭.૫૧ કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત થયા તેની વિગતો આપી હતી અને રાજય સરકાર તરફથી વિકાસકામો માટે જોઇએ તેટલાં નાણાં અપાયાં છે ત્યારે વિકાસકામો ઉપર મોનટરીંગ રાખવા ઉપર તેમણે ભાર મૂકયો હતો. શ્રી છેડાએ દાતાની કિંમતી જમીન ઉપર આરોગ્ય મંદિર ઊભું થાય અને લોકોને ઉપયોગી થાય તેવા પ્રયાસોની જરૂરિયાત જણાવી કચ્છમાં માં નર્મદાના સિંચાઇના પાણી સિવાય બીજો કોઇ વિકલ્પ નથી તેમ જણાવી નર્મદા નીરથી ગામડે-ગામડે ચેકડેમ તળાવ ભરાશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષશ્રી વિનયકુમાર સકસેનાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં ખાદી ગ્રામોદ્યોગ દ્વારા રોજગારી નિર્માણની વિગતો આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના અધ્યક્ષ રણજીતસિંહ જાડેજા, જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, તા.ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યાં હતા. આભારદર્શન ભુજપુરના સરપંચ મેઘરાજભાઈ ગાગિયાએ કર્યું હતું. આ પ્રસંગે ભીમાણી ખાદી ગ્રામોદ્યોગ ,માંડવીના અધ્યક્ષા માયાબેન ભટ્ટ, ટ્રસ્ટી કૃષ્ણકાંત પંડયા, શ્રવણસિંહ વાઘેલા,વિજયસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, દેવરાજ ગઢવી, અરવિંદ ગોર, કાદર દાઉદ ખત્રી, રતન સુમાર જસાણી, દેવશી કાનજી પાતારીયા, કનુભાઈ પટેલ, મહિપતસિંહ ગાભુભ જાડેજા, રાજદે સામરા રામાણી, તુલસી મોહન નાયકા, ભારતીબેન હર્ષદ સાવલા, સુલોચનાબેન સુરેશભાઈ જેસર, લક્ષ્મી રામજી પાતારીયા, ફાતમાભાઈ કાસમ કુંભાર, ધનબાઈ રણમલ ભુવા, દીનાબેન હરેશભાઈ ગોર, જનકબા ભચુબા જાડેજા, મોટા કપાયા ધનજી ધેડા સરપંચ, મુંદરા તા.પં. ઉપાધ્યક્ષ ડાયાલાલ આહિર,ખાદી બોર્ડના ડાયરેકટર સંજયભાઈ સહિત આજુબાજુ ગામોના સરપંચો, ભૂમિ દાતા પરિવારના જૈન શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.