ખાંડેકના આધેડને મરવા મજબુર કરનાર મહિલા સહિત પાંચ સામે નોંધાઈ ફોજદારી

બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી પ૦ હજાર બળજબરીથી કઢાવ્યા બાદ વધુ બે લાખની કરી હતી માંગણી

ગાંધીધામ : રાપર તાલુકાના ખાંડેક ગામે રહેતા આધેડ વયના ખેડૂતને બળાત્કારના કેસમાં ફસાવી ધમકી આપી પ૦ હજાર પડાવી લઈ વધુ બે લાખની માંગણી કરી મરવા માટે મજબુર કરતા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કિસ્સામાં મહિલા સહિત પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવરામભાઈ અંબારામભાઈ ખાંડેકા (મારાજ) (ઉ.વ.પ૯) (રહે. ખાંડેક તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત તા.ર૪/૯/૧૭ના રાત્રીના ૧૧થી ર૮/૯/૧૭ના સવારના દસ વાગ્યા દરમ્યાન ભચુભાઈ રઘુભાઈ મારાજ, દિલીપભાઈ શિવરામભાઈ મઢવી, રોમતબાઈ ઉર્ફે રામી, સમીરભાઈ તથા અજાણ્યા શખ્સે મગનભાઈ મોહનભાઈ ખાંડેકા (ઉ.વ.પ૩)ને બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું કરી ધોકા વડે મારમારી ૪પ૦ રોકડા તથા ૩૦૦ની કિંમતનો મોબાઈલ લઈ લીધો હતો. આરોપીઓએ બીજા દિવસે મગનભાઈને મારમારી પ૦ હજાર કઢાવી લીધા બાદ વધુ બે લાખ રૂપિયા આપવાની માંગણી કરતા મગનભાઈએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રથમ અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યા બાદ હતભાગીને મરવા મજબુર કરવા બદલ પાંચ શખ્સો સામે આઈપીસી કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે પીએસઆઈ જે.એમ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી.