ખનિજ ચોરી, દારૂ-જુગાર સહિતની ગેરપ્રવૃતિઓને મળ્યો છૂટો દોર

  • પશ્ચિમ કચ્છ પોલીસમાં ‘ગુરૂ ગયા ગોકળ, પાછળ થઈ મોકળ’ જેવો તાલ

ભ્રષ્ટ ખાખીધારી વહીવટદારો સાથે ગેરકાયદેસર પ્રવૃતિઓનો ધમધમાટ કરવા સેટીંગ થયાની પણ ચર્ચા :પશ્ચિમ કચ્છ એસપી તાલીમ અર્થે એક માસની ટ્રેનિગમાં જતા અસામાજિક તત્વો ગેલમાં : માંડવીના ફરાદી, હમલા-મંજલ વિસ્તારમાં ગેરકાયદે બોક્સાઈટ અને બેન્ટોનાઈટનું ખનન થતું હોવાની બૂમરાડ

ભુજ : પશ્ચિમ કચ્છમાં ખનિજ ચોરી, દારૂ-જુગાર, બેઝઓઈલ, બાયોડિઝલના ગેરકાયદેસર વેપલા સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ ફરી પાછી પુરજોશમાં ધમધમવા લાગી છે. કેમ કે પશ્ચિમ કચ્છના યુવા અને નિષ્ઠાવાન આઈપીએસ ઓફિસર એસપી સૌરભસિંઘ એક માસ માટે તાલીમ પર ગયા છે. ત્યારે પશ્ચિમ કચ્છમાં ગેરપ્રવૃતિઓ ચલાવતા તત્વો ફરી પાછા સક્રિય થઈ ગયા છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીનું દુષણ વ્યાપકપણે વિસ્તરેલું છે. તો દારૂના ગેરકાયદેસર ધંધાઓ પણ ધમધમતા હોય છે. આ ઉપરાંત બાયોડિઝલ અને બેઝઓઈલની ગેરપ્રવૃતિઓ પણ કચ્છભરમાં વિસ્તરેલી હતી. જો કે પશ્ચિમ કચ્છમાં એસપી તરીકે યુવા આઈપીએસ અધિકારી અને નોન કરપ્ટેડ ઓફિસર તરીકેની છાપ ધરાવતા સૌરભસિંઘ આવ્યા બાદ છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર મહદઅંશે રોક લાગી હતી. કડક છાપ ધરાવતા એસપીએ જિલ્લામાં બેફામ ખનિજ ચોરી, દારૂના વેપલા તેમજ બાયોડિઝલ-બેઝઓઈલના ગેરકાયદેસર વેંચાણ પર રોક લગાવી હતી. તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને પણ કાયદાની રૂએ ગેરપ્રવૃતિઓ પર કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી.આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં કેટલાક પલળેલા ખાખીધારીઓની ગેરપ્રવૃતિ કરતા શખ્સો સાથેની સાંઠગાંઠને બંધ કરવાની તાકીદ કરી હતી. પરિણામે મહદઅંશે કચ્છમાં ગેરપ્રવૃતિઓ પર રોક લાગી હતી. છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અથવા તો જે ગણ્યા ગાંઠ્યા તત્વો ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હતા, તેઓ ચોરીછુપીથી કરતા હતા. તેમનામાં થોડેઘણે અંશે ખાખીની બીક જોવા મળતી હતી. જો કે હાલ પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંઘ ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં એક માસની તાલીમ માટે ગયા છે. જેને પખવાડિયા જેટલો સમય વીતી ગયો છે ત્યારે તેમની લાંબી રજાનો લાભ લઈને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા તત્વો ગેલમા આવી ગયા છે.સુત્રોનું માનીએ તો, ખનિજ માફિયાઓ, બુટલેગરો, તેલ ચોરો સહિતના તત્વોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃતિનો ધમધમાટ શરૂ કરવા માટે કેટલાક પલળેલા ખાખીધારીઓ અને વહીવટદારો સાથે સાંઠગાંઠ પણ કરી લીધી છે. પોતાના ગોરખધંધા પુનઃ સ્થાપિત થાય તે માટે સેટીંગ ગોઠવવા દોડધામ થતા પશ્ચિમ કચ્છ પોલીસના કેટલાક ભ્રષ્ટ ખાખીધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. તેઓ માટે ગુરૂ ગયા ગોકળ અને પાછળ થઈ મોકળ જેવો તાલ સર્જાયો છે. દરમિયાન માંડવીના ફરાદી, હમલા-મંજલ વિસ્તારમાં ગેરકાયદે બોક્સાઈટ અને બેન્ટોનાઈટનું ખનન થતું હોવાની બૂમરાડ પણ ઉઠી છે ત્યારે આ વિસ્તારમાં કાર્યવાહી કરવી જરૂરી બની છે.