ખત્રીતળાવ નજીક માનકુવાના સુથાર સાથે ૧૦ લાખની લૂંટ

ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ માનકુવા પોલીસ મથકે નોંધાયો ગુનો : અન્ય ગાડીમાં આવેલા ઈસમોએ સુથારની ગાડી આંતરીને ઝપાઝપી કરી રોકડ લૂંટીને નાઠા : બનાવને પગલે માનકુવા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : અહીંથી માંડવી તરફ જતા માર્ગ પર હાઈલેન્ડ રોડથી ખત્રી તળાવ વચ્ચે દિન દહાડે માનકુવાના સુથાર યુવાન સાથે રૂપિયા ૧૦ લાખની લૂંટ કરાતા ચકચાર મચી ગઈ છે. ફરિયાદીની ગાડીને આંતરીને સફેદ કલરની કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ યુવાન સાથે ઝપાઝપી કરી ગાડીની પાછળની સીટમાં રાખેલ રૂપિયા ૧૦ લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી રાત્રે માનકુવા પોલીસ મથકે નરનારાયણ નગરમાં રહેતા ભગુભાઈ માવજીભાઈ સુથાર (ઉ.વ.૪૩) એ લૂંટના બનાવ અંગે ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. ફરિયાદી ભગુભાઈ પોતાની ગાડીમાં હાઈલેન્ડ રોડથી ખત્રીતળાવ તરફ જતા રસ્તે જતા હતા તે દરમ્યાન સફેદ કલરની રીટ્‌ઝ કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમની ગાડી આંતરીને ઉભી રખાવી હતી. આરોપીઓ પૈકી એક શખ્સે ફરિયાદી યુવાન સાથે ઝપાઝપી કરી હતી અને બીજા શખ્સે ગાડીની પાછળની સીટમાં રાખેલ રૂપિયા દસ લાખ લૂંટીને ત્રણેય જણ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે માનકુવાના ઈન્ચાર્જ પીઆઈ એસ. બી. વસાવા સાથે વાતચીત કરતા તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું અને ગત મોડી રાત્રે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનો જણાવ્યું હતું. જો કે, તેમણે સમગ્ર બનાવ અંગે શંકા પણ દર્શાવી હતી. તેથી સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી ઉલટતપાસ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દેવામાં આવેલા સુથારે લૂંટનું તરકટ રચ્યાની જાગી ચર્ચાઓ
ભુજ : તાલુકાના ખત્રીતળાવ નજીક માનકુવાના નરનારાયણ નગરમાં રહેતા યુવાન સાથે થયેલી રૂપિયા ૧૦ લાખની લૂંટના બનાવમાં ફરિયાદીએ તરકટ રચ્યું હોવાનું સુત્રો મારફતે જાણવા મળ્યું છે. માનકુવા પોલીસ મથકે ફરિયાદી ભગુભાઈ માવજીભાઈ સુથારે નોંધાવેલી લૂંટની ફરિયાદને જોતા સહેજે એવી શંકા જન્મે છે કે, ફરિયાદી પાસે રૂપિયા ૧૦ લાખની લિક્વિડ કેસ આવી કયાંથી ? તે નાણા લઈને કયાં જતો હતો ? અને તેને કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ નથી. લૂંટારૂઓએ માત્ર ઝપાઝપી કરીને એમ કઈ રીતે આટલી મોટી રોકડ રકમ લઈને નાસી શકે.? આવા અનેક સવાલો આ ઘટના પાછળ ઉદ્‌ભવી રહ્યા છે. તો ચર્ચાતી વિગતો મુજબ ફરિયાદી યુવાન દેવામાં ડુબી જતા લૂંટનું તરકટ રચ્યું હોવાની શંકા પણ છે. સુત્રોનું માનીએ તો ફરિયાદી યુવાને તેની સાથે લૂંટ થઈ હોવાનું જણાવીને લેણદારોમાંથી છુટવા માટે અટકળ કરી હોઈ શકે. જો કે પોલીસે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ આદરી છે.