ખંભાતમાં પટેલના પરિવારને ત્યાં દરોડામાં ૩.૨૫ કરોડની બેનામી રોકડ મળી

(જી.એન.એસ.)આણંદ,આણંદ જિલ્લાનાં ખંભાતમાં પોલીસના દરોડામાં એક પરિવારને ત્યાંથી ૩.૨૫ કરોડ રુપિયાની બેનામી રોકડ મળી આવતા ચકચારી જાગી છે. ગામડામાં રહેતા એક પટેલ પરિવારને ત્યાંથી આટલી મોટી રકમ મળતા ચારેકોર ચર્ચા જાગી છે. આ રકમ અંગે પોલીસે પટેલ પરિવારના મોભી રાજેશ પટેલને આવકના સ્રોત અંગે પૂછપરછ કરી હતી. પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહતા. તેથી પોલીસે કાર્યવાહી કરી રકમ જપ્ત કરી છે.પ્રાપ્ત વિગત મુજબ ખંભાતમાં અમદાવાદી ખડકીમાં રહેતા રાજેશ પટેલના ઘરે ગઈકાલે શુક્રવારે આણંદ એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં વિમલના થેલામાં ૫૦૦ અને ૨૦૦૦ની નોટોના બંડલ મળી આવ્યા હતા. ગણતરી કરતા આ રકમ ૩.૨૫ કરોડ હોવાનું જણાયું હતું.પોલીસે પરિવારના મોભી રાજેશ પટેલની પુછપરછ કરી હતી કે આટલી મોટલી રકમ ક્યાંથી આવી?, તેના આવકનું સ્ત્રોત શું છે? રાજેશ પટેલ અને પરિવારના લોકો આ અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નહતા. પરિણામો પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પોલીસે મળી આવેલા ૩.૨૫ કરોડ રુપિયાને બિનહિસાબી ગણી સીઆરપીસીની કલમ ૧૦૨ હેઠળ કેસ નોંધી રોકડા રૂપિયાનો કબજો લીધો હતો.પોલીસે ગુનો નોંધી અને ઇનકમટેક્સ વિભાગને સંબંધિત રોકડ અંગે માહિતી આપી દીધી.