ક્રાઈમ કોર્નર

મેઘપર (બો)માં મહિલાનો મૃતદેહ મળતા તપાસ

અંજાર : તાલુકાના મેઘપર (બો)માં આશાપુરા સોસાયટી પાસે બાવળની ઝાડીમાંથી ૩૦ વર્ષિય અજાણી મહિલાની લાશ મળી હતી. જેને પીએમ માટે જામનગર ખસેડાઈ છે. મહિલાનું મોત ૪-પ દિવસ અગાઉ થયું હોવાનું અનુમાન છે તો એક હાથ રાની પશુઓ ખાઈ ગયા હતા. મહિલાના શરીરે કોઈ ઘા કે નિશાની જોવા મળી નથી. બનાવને પગલે કોહવાયેલી લાશને પીએમ માટે જામનગર ખસેડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આંબલિયારામાંથી કેબલ ચોરનાર બે ઝડપાયા

ભચાઉ : તાલુકાના આંબલિયારા ગામની સીમમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરવાના પ્રકરણમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરાઈ હતી. આંબલિયારા ગામે સુઝલોન કંપનીની બે પવનચક્કીમાંથી કોપરના કેબલ અને પ્લેટોની ૧ લાખથી ઉપરની ચોરી થઈ હતી. જેમાં પોલીસે અમરશીભાઈ હાજાભાઈ કોલી અને સુલેમાન અલીમામદ ત્રાયાની ધરપકડ કરી હતી. પીએસઆઈ એ.વી.પટેલ સહિતની ટીમે આ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજોડીમાં સગીરાની છેડતી કરાતા ફોજદારી

ભુજ : તાલુકાના ભુજોડીમાં વૃદ્ધે સગીરવયની કન્યા સામે અભદ્ર ચેનચાળા કરતા પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. વૃદ્ધે સગીરાઓને ચલણી નોટ બતાવીને અભદ્ર ચેનચાળા કર્યા હતા. બનાવને પગલે સગીરાની માતાએ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે આરોપી રૂપા પૂંજા સીજુ વિરૂદ્ધ ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

હત્યારા શખ્સને ઝડપી રાજકોટ જેલ હવાલે કરાયો

અંજાર : અહીંના પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપી સલીમ અદ્રેમાન સરેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે રાજકોટની જેલમાંથી ૧પ દિવસના પેરોલ જામીન પર છૂટીને પરત જેલમાં હાજર થયો ન હતો. જેને પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ઝડપી પાડી રાજકોટ જેલ હવાલે કર્યો હતો.

અજાપર નજીકથી ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

ગાંધીધામ : તાલુકાના ગળપાદર અજાપર માર્ગ ઉપરથી એક અજાણ્યા ભિક્ષુકની લાશ મળી હતી. જીનસ કંપની, આઈઓસી પેટ્રોલ પમ્પ પાસેથી મૃતદેહ મળ્યો હતો. અજાણ્યા ભિક્ષુકનું બીમારીને કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.