ક્રાઈમ કોર્નર

ગાંધીધામમાં મોબાઈલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો ઝડપાયો

ગાંધીધામ : ગાંધીધામ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ગાંધીમાર્કેટ આવેલ જીવનસાથી મેડિકલ બહાર તામિલનાડુ પ્રિમિયમ લીગની ચાલતી ટ્રવેન્ટી ટ્રવેન્ટી ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું. ત્યારે બ્રિજેશ દોશી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં ૧૦૦ બેટ ડોટ ઈન નામની વેબસાઈટ ખોલી તેમા પોતાની આઈડી મેળવી ક્રિકેટનો સટ્ટો રમી રહ્યાની પોલીસને બાતમી મળતા રૂપિયા દસ હજાર ચારસોની રોકડ રકમ એક મોબાઈલ સહિત કુલ રૂા.૬૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસ દફતરે જુગાર ધારાની કલમો તળે ગુનો
નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વરસાણાની સીમમાં આવેલ જમીનના ખોટા સાટા કરાર કરી ર૦ લાખની છેતરપીંડી

અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી નવીન મ્યાજર મ્યાત્રા (રહે. ગળપાદર)વાળા એ જણાવ્યા અનુસાર વરસાણાના આરોપી સાયબ રાયલ હિંગોરજા, અમીત સાયબ હિંગોરજા, સલેમાન ઉનડ હિંગોરજા, સિકંદર સાયબ હિંગોરજા અને રાયલ સાયબ હિંગોરજાએ વરસાણા સીમમાં સર્વે નં.૬ર-૧ તથા ૬ર-ર અંગે સાટા કરાર કરી રૂપિયા વીસ લાખમાં સોદો કરેલ ત્યારબાદ પ્રથમ નોટરી ર૦/૮/૧૯ના કરાવી બે લાખ ચૂકવેલ બીજી નોટરી તા.૧પ/૭/ર૦ના કરાવી રૂપિયા ૧૮ લાખ ચૂકવેલ ત્યારબાદ તપાસ કરતા સદર જમીન નારણ રાજા સોરઠિયાના નામે રેવન્યુ રેકર્ડમાં બોલતી હોવાનું જણાતા ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક કરવા છતાં સંપર્ક ન થતા છેતરાયાનો અનુભવ થયો હતો. જે બાબતે આરોપી વિરૂધ્ધ અંજાર પોલીફ દફતરે નોંધાતા આગળની પોલીસ તપાસ હાથ ધરાયાનું જાણવા મળ્યું હતું.

ખાનપર (વાંઢ)માં ગંજીપાનાનો જુગાર રમતા ચાર ખેલી ઝડપાયા

રાપર : રાપર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ રાપર પોલીસે ગઈકાલે રાત્રે ખાનપર (વાંઢ) ખાતે લાઈટના ઉજાસમાં ગંજીપાનાનો બાબુ પચાણ કોલીના મકાનમાં જુગાર રમતા આરોપી બાબુ પચાણ કોલી, માનસંગભાઈ પચાણ કોલી, ભરત મહાદેવાભાઈ કોલી અને ખીમજી નારણભાઈ કોલીને રૂપિયા અઢાર હજાર નવસો દસની રોકડ સાથે ઝડપી લઈ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.

ગાંધીધામના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

ગાંધીધામ : ગાંધીધામ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી પ્રિયંકાબેન અર્જુનભાઈ ઘેડા (પ્રોવિઝન સ્ટોર જુની સુંદરપુરી)વાળાએ જણાવ્યા અનુસાર તા.૩૧/૭ના રાત્રે ૧૦ વાગે તેઓ પોતાની દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળો આરોપી મહેશ દેવશી વિંગોરા ફરિયાદીની દુકાને આવ્યો હતો અને ગંદી ગાળો આપી હતી અને એકટીવાથી જતા જતા કહ્યું હતું કે, મારા ભત્રીજા વિરમ ઉર્ફે વિનોદ રામજી વિંગોરા પર પોલીસ કેસ કરેલ છે. તે પરત લઈ લેજો તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.