ક્રાઈમ કોર્નર

ભુજના મેઘપરમાં અકસ્માતમાં યુવાનનું મોત

ભુજ : તાલુકાના મેઘપર ગામે મુકેશ રામજી વણકર (ઉ.વ. ર૧) (રહે સરલીનગર, તા. ભુજ) પોતાની બાઈક નંબર જી.જે. ૧ર ડીક્યુ ર૭પ૪ પર દહીંસરા ગામે દવા લેવા જઈ રહ્યો હતો. ત્યારે એક્ટિવા સાથે ટક્કર થતાં ગંભીર ઈજાઓ થતાં જેની સારવાર અર્થે જી.કે. જનરલ લાવતા સારવાર કારગત નિવડે તે પહેલા મોત થયું હતું.

ભુજમાં પૈસાની ઉધાર બાબતે મહિલાને માર મરાયો

ભુજ : શહેરની રામક્રિષ્ના કોલોની ખાતે ઠંડા પીણા અને કટલેરીની દુકાન ધરાવતા કાન્તાબેન પ્રભુજી પરમાર (ઉ.વ. ૪૮) (રહે રામકૃષ્ણ કોલોની, કેમ્પ એરિયા) પોતાની દુકાને હતા ત્યારે કુલદીપ પ્રકાશ શર્મા (રહે રામકૃષ્ણ કોલોની)એ અગાઉની ઉધાર બાકી હતી, તે બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ જઈ કાન્તાબેનને હાથ પર કાચ મારતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ છે.

હિરાપર સીમમાં ૮૦૦ લિટર દેશી દારૂ ઝડપાયો

નલિયા : અબડાસા તાલુકાના હિરાપર (પિથોરા નગર)ની સીમમાં પાણીના વોકળા પાસે બાવળની ઝાડીઓમાં નલિયા પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા આરોપી રૂપસંગજી ઉર્ફે રૂપો અજીતસિંહ સોઢા તથા જેઠુભા ખેતસિંહ ઉર્ફે ખેતુભા સોઢા (રહે બંને આશાપર)વાળાના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો ૮૦૦ લિટર જેની કિ.રૂા. ૧૬૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ નાસી છુટવા સફળ રહ્યા હતા.

આશાપરમાં ગાડી રાખવાની ના પાડતા માર મરાયો

લખપત : તાલુકાના આશાપર જતા રોડ શિવ મંદિરની બાજુમાં આવેલ વાડાની નજીકમાં ગાડીઓ રાખવાની ના પાડતા આરોપી બલવંતસિંહ ભેરજી સોઢા તથા શિવુભા સતુભા સોઢા (રહે બંને આશાપર)વાળાએ પબાજી હંસરાજજી સોઢાને ગાળો આપી લાકડી તથા હાથ વડે માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ વિરૂદ્ધ દયાપર પોલીસમાં ફરિયાદ
નોંધાવાઈ છે.

ધાણેટીમાં પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ અપાતા પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજ : તાલુકાના ધાણેટી ગામે રહેતી પરિણીતા ગીતાબેન કાનજીભાઈ માવજીભાઈ છાંગ (ઉ.વ. ૩૪)વાળીને તેના પતિ કાનજીભાઈ માવજી છાંગા દ્વારા લગ્નના બે વર્ષ બાદ અવાર નવાર કામ કાજ બાબતે મેણા ટોણા માળી શારીરિક ત્રાસ આપી છ વર્ષ પહેલા મારકુટ કરી ઘરમાંથી બહાર કાઢી મુકતા મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા છે. આરોપી તેના પતિ કાનજીભાઈ માવજી છાંગા વિરૂદ્ધ ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભુજની પરિણીતાએ ફિનાઈલ પીધું

ભુજ : શહેરના કેમ્પ એરિયા ખાતે રહીતે મેમુના અબ્દુલ માજોઠી (ઉ.વ .૩પ)એ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.