ક્રાઈમ કોર્નર

લીફરી ખાણમાં બે ટ્રક વચ્ચે ચગદાયેલા આધેડનું મોત

દયાપર : લખપત તાલુકાના માતાનામઢ નજીક આવેલ જીએમડીસીની લીફરી ખાણમાં અકસ્માતે આધેડનું મોત થયું હતું. માંડવીના રાજડાના લાલજી ખેતશી મહેશ્વરી પોતાની ગાડીના પાછળના ભાગે રસ્સી બાંધી રહ્યા હતા. ત્યારે અન્ય ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સ લેતા હતભાગી બન્ને ટ્રકો વચ્ચે ચગદાઈ જતા મોતને ભેટ્યા હતા. બનાવને પગલે રાજડાના વેરશી બુધીયા મહેશ્વરીએ આરોપી ટ્રક ચાલક વિરૂધ્ધ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અંજાર- ગળપાદર માર્ગ પર ટ્રેઈલર – ડમ્પર વચ્ચે અકસ્માત

અંજાર : અહીંના ગળપાદર માર્ગે શર્મા રિસોર્ટ નજીક ડમ્પર અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં ટ્રેઈલર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચાતા રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડમ્પર પાછળ પૂર ઝડપે આવતું ટ્રેઈલર ધડાકા ભેર ભટકાયું હતું. બનાવને પગલે ઈજાગ્રસ્ત ટ્રેઈલર ચાલકને ૧૦૮ મારફતે સારવાર હેઠળ ખસેડાયો હતો.

અપહરણના કેસમાં આરોપીને રાજસ્થાનના કોટાથી ઝડપાયો

ગાંધીધામ : શહેર બી ડિવિઝન પોલીસની ટીમે અપહરણનો ભોગ બનેલ કિશોરીને રાજસ્થાનના કોટામાંથી આરોપીના કબ્જામાંથી મુક્ત કરાવીને આરોપીની ધરપકડ કરાઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા આ અપહરણના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે મળેલી બાતમીને પગલે આરોપી રાહુલ રમેશભાઈ પરમાર (રહે કાર્ગો, આઝાદનગર, મચ્છી માર્કેટ પાસે, ગાંધીધામ)ને રાજસ્થાનના કોટામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગુંદાલામાંથી દારૂ-બીયર સાથે બુટલેગર જબ્બે

મુંદરા : તાલુકાના ગુંદાલામાં રહેણાંક મકાનમાંથી પોલીસે ર૧ બોટલ શરાબ અને ૯૬ નંગ બીયરના ટીન ઝડપી પાડ્યા હતા. મુંદરા મરીન પોલીસે પાડેલા દરોડામાં જીવણજી ખાનજી જાડેજા નામના ઈસમની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેના રણુજાનગર સ્થિત રહેણાંક મકાનમાં દરોડો પાડીને રૂા.૬ર,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાન્ધ્રો અને નખત્રાણાના આમારામાંથી શરાબ ઝડપાયો

દયાપર : લખપતના પાન્ધ્રોના નવાનગરમાં નારાયણ સરોવર પોલીસે દરોડો પાડીને ૪૦ દારૂની બોટલ ઝડપી પાડી હતી. દરોડામાં જગદીશસિંહ ઉર્ફે મનુભા તેજમાલજી ચૌહાણની ધરપકડ કરાઈ હતી. જયારે પ્રતાપસિંહ ભુરજી સોઢા નામનો શખ્સ નાશી છુટ્યો હતો. બીજી તરફ નખત્રાણાના આમારામાંથી શરાબની પાંચ બોટલ નખત્રાણા પોલીસે ઝડપી હતી. જેમાં કાનજી હમીર ડાંગર અને ગોપાલ વેલજી આહિરની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપી જનાર દેશલપર (ગું)નો રમજાન ઓસ્માણ નારેજા પોલીસને હાથ લાગ્યો ન હતો.

મુંદરાના મોટી ખાખરમાંથી પ જુગારી જબ્બે

મુંદરા : તાલુકાના મોટી ખાખરમાં ગંજીપાના વડે રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડીને પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. સુખપર ટીમ્બા નજીક બાવળની ઝાડીઓમાં જુગાર રમતા ભરત ઈશ્વરલાલ ગોર, જગદીશસિંહ મંગલસિંહ સોઢા, લાખા લઘુ મારવાડા શક્તિસિંહ કિરીટસિંહ જાડેજા અને ખેતશી લધાભાઈ ગઢવીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી રૂા.૧પ,પ૦૦ની રોકડ રકમ અને ૧૦,૦૦૦ના પાંચ મોબાઈલ મળીને રૂા.રપ,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.