ક્રાઈમ કોર્નર

ખંભરામાં ખેતમજૂરના ઘરમાંથી રર,પ૦૦ની ચોરી

અંજાર : તાલુકાના ખંભરા ગામે ખેતમજૂરી કરીને પેટીયુ રડતા પરિવારના ઘરમાંથી ચોરી થતા આભ ફાટ્યું હતું. બનાવને પગલે મૂળ દાહોદના અને હાલ ખંભરામાં રહેતા સુભાષભાઈ ગલજીભાઈ બારીયાની ફરિયાદ મુજબ તેમના ઘરમાંથી ઓરડીમાં લટકાવેલ થેલીમાંથી રોકડા રૂા.૧૮,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના મળીને રર,પ૦૦ની તસ્કરી થઈ હતી. અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજોડી નજીકથી ટ્રક ચોરનાર જબ્બે

ભુજ : તાલુકાના ભુજોડીમાં ટ્રકની ચોરી બાબતે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે આરોપી અયુબ આરબ હાસમ ચૌહાણ રહે (પૈયા તા.ભુજ)ની ધરપકડ કરાઈ હતી.

છેડતી કરનાર આરોપી પાલારા હવાલે

ભુજ : શહેરની સિટી સર્વે ઓફિસમાં ટિફિન આપવા ગયેલી યુવતી સાથે કરાયેલી છેડતીના આરોપી યુનુસ અબ્દુલ લતીફ ચાકી વિરૂધ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાલારા જેલ હવાલે કર્યો હતો. તો આરોપીના માસીયાઈ ભાઈ જે ફાયરીંગ પ્રકરણનો આરોપી છે. તેણે વિધવા માતા અને સગીરાને ધમકી આપતા પરિવારજનો ભયભીત છે.

માંડવીમાં આંકડાનો જુગારી ઝડપાયો

માંડવી : શહેરના જીટીરોડ પર આવેલ બાવાગોરની દરગાહ પાસે આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આંકફેરનો જુગાર રમાડતા ઈશ્વરભાઈ મોહનભાઈ ગોહિલને રૂા.૧૦૬૦ની રોકડ સાથે ઝડપી પાડ્યો હતો.

ભુજના નિવૃત્ત ના.મામલતદારના પુત્રએ યુવતીને છરી ઝીંકી

ભુજ : નિવૃત ના.મામલતદારના કુખ્યાત પુત્રએ પ્રેમસંબંધમાં રહેલી યુવતીએ આરોપીનો ભૂતકાળ જાણીને સંબંધ ન રાખતા છરી ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. નરનારાયણ નગરથી સહયોગનગર તરફ જતા માર્ગે બનાવ બન્યો હતો. રાવલવાડીમાં રહેતી ર૧ વર્ષિય યુવતીને આરોપી નરેન્દ્રસિંહ રવાજી જાડેજાએ યુવતી પર છરીથી હુમલો કર્યો હતો. પ્રેમસંબંધ નહી રાખવા બદલ અગાઉ પણ આરોપી દ્વારા માધાપરની યુવતી અને તેના પરિવાર સાથે ધાક ધમકી કરાઈ હતી. જેમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. તો આ કુખ્યાત શખ્સે ફરી એક વખત યુવતીને છરી વીંઝી દેતા એ ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ સબબની ફરિયાદ નોંધાઈ છે. આરોપી મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં મકાન પચાવી પાડાતા લેન્ડ ગ્રેબિંગ તળે ગુનો

ગાંધીધામ : શહેરના સપનાનગરમાં ભાડાના મકાન ઉપર કબજો જમાવનાર ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગ તડે ગુનો નોંધાયો છે. ફરિયાદી કમલેશભાઈ અરજણભાઈ અડવાણીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના પિતાએ સપનાનગરમાં આવેલું મકાન કરાર આધારે આરોપી સંદીપસિંહ રણજીતસિંહ જાડેજાને દર મહિને ૬ હજાર ચૂકવવા તથા કરારનો સમયગાળો પૂર્ણ થયે ખાલી કરવાની શરતે આપ્યું હતું. જોકે આરોપીએ બે વર્ષથી ભાડુ પણ આપતું ન આપતા, વકીલ મારફતે નોટિસ પણ અપાઈ હતી. તેમ છતાં મકાનનો કબજો ન આપતા અંતે લેન્ડ ગ્રેબિંગ તળે ગુનો નોંધાયો છે.

ભુજમાં ચોરીનો આરોપી ચિત્રોડથી જબ્બે

ભુજ : શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ઘરફોડ ચોરીના આરોપીને આડેસર પોલીસે ચિત્રોડથી ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીને પગલે ચિત્રોડ ગામના ઓવર બ્રિજ પાસે વોચ ગોઠવીને આરોપી દિલીપ ગંગારામ કોલીની ધરપકડ કરાઈ હતી.

કોટડા (ઉ)ના સરપંચ પર સભ્ય દ્વારા હુમલો

ભુજ : તાલુકાના કોટડા (ઉગમણા) ગામના સરપંચ નરશીભાઈ રવજીભાઈ ભગત સાથે થયેલી બોલાચાલીમાં ગ્રામ પંચાયતના સભ્ય મહેન્દ્ર નારાણ લિંબાણીએ લાકડી વડે હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસમાં જાણવા જોગ નોંધ કરાઈ હતી. બન્ને વચ્ચે કોઈપણ કારણોસર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સભ્યએ સરપંચને લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે પધ્ધર પોલીસે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.