ક્રાઈમ કોર્નર

અંજારના ભીમાસરમાં યુવાને કર્યો આપઘાત

અંજાર : તાલુકાના ભીમાસરમાં લ્યૂસ કંપનીની સામે બંધ પડેલા બેન્સામાં ધનાભાઈ નાથાભાઈ રબારી (ઉ.વ. રપ)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભીમાસરના રબારીવાસમાં રહેતો યુવાન બેન્સામાં ચોકીદારની ઓરડીમાં ગયો હતો. જ્યાં તેણે અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. ડ્રાઈવિંગ કરતા આ યુવાનની સગાઈ થઈ ગઈ હતી. તેણે કયા કારણોસર પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી.

છોટા ઉદેપુરના અપહરણ કેસનો આરોપી લાયજાથી જબ્બે

ભુજ : છોટા ઉદેપુરના નસવાડી પોલીસ મથકના અપહરણ કેસમાં નાસતા-ફરતા આરોપીની પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે માંડવીના લાયજા નજીકથી ઝડપી પાડ્યો હતો. વોન્ટેડ આરોપી સુનિલ મણીલાલ નાયકા વિરૂદ્ધ નસવાડી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. માંડવીના લાયજા નજીક મધુબન ફાર્મ ખાતેથી ભોગ બનનાર સાથે આરોપીને દબોચી લઈ એસઓજીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજમાં ઘરફોડ ચોરી કરનાર મહિલા ઝડપાઈ

ભુજ : શહેરમાં ઘરફોડ ચોરી કરનાર મહિલાને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી એએસઆઈ કે.બી.જાડેજાને મળેલી બાતમીના આધારે અનિતા હમીરભાઈ પટ્ટણીની ધરપકડ કરાઈ હતી. ખારસરા મેદાનમાં રાણીવાળી ખાડ પાસેથી આરોપી મહિલાને પકડી પોલીસે ચોરાઉ વીંટી અને રોકડ રૂા.૧૦ હજાર કબજે કર્યા હતા.

દેશલપર (વાં)માં ત્રણ વાડીમાંથી ૧૬ હજારનો કેબલ ચોરાયો

ભુજ : તાલુકાના દેશલપર (વાંઢાય)માં એક સાથે ત્રણ વાડીઓને નિશાન બનાવી ૧૬ હજારની કિંમતના ૮૦ મિટર કેબલની ચોરી કરાઈહતી. બનાવ અંગે ચંદુલાલ હીરજી માવાણી, દાયાલાલ પ્રેમજી પટેલ અને દેવજી ભગતની વાડીમાંથી કેબલ ચોરાયો હોવાની ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાઈ હતી. જેને પગલે પોલીસે છાનબીન હાથ ધરી છે.